દાહોદમાં બ્રિજ નજીકથી માઉઝર અને કારતૂસ સાથે એક શખ્સ પકડાયો

દાહોદ એલસીબી પોલીસે બપોરના અરસામાં દાહોદ રેલવે ઓવર બ્રિજ પરથી પસાર થતી શંકાસ્પદ લાગતી રીક્ષાને રોકી રીક્ષાચાલકની તલાસી લેતાં તેની પાસેથી હાથ બનાવટની લોખંડની માઉઝર અને એક કારતૂસ મળી આવતા પોલીસે સાથે સાથે એક મોબાઇલ ફોન તથા રીક્ષા મળી રૂ.૫૬,૧૦૦ના મુદ્દામાલ સાથે રીક્ષા ચાલકની અટકાયત કર્યાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગત મુજબ દાહોદ એલસીબી પોલીસની ટીમ બપોરના અરસામાં શહેરના રેલવે ઓવરબ્રિજ પર પેટ્રોલીંગમાં હતી. તે વખતે ત્યાંથી પસાર થતી રીક્ષાના ચાલકની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તે રીક્ષા રોકી તેના ચાલકનું નામ પુછતા સમુભાઇ વરસીંગભાઇ બારીયા રહે. ગલાલીયાવાડ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી રૂ.૧૫,૦૦૦ની કિંમતના હાથ બનાવટની લોખંડની માઉઝર તથા એક કારતૂસ કિંમત રૂ.૧૦૦ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે લોખંડની માઉઝર, એક કારતૂસ તથા મોબાઇલ તેમજ રૂ.૪૦,૦૦૦ની કિંમતની રીક્ષા મળી રૂ.૫૬,૧૦૦ના મુદ્દામાલ સાથે ચાલક સમુભાઇ બારીયાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી શહેર પોલીસ સ્ટેશને સુપરત કરતા શહેર પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *