ભરૂચના વિવિધ મંદિરોમાં દેવ પ્રબોધિની એકાદશી નિમિત્તે તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યું
શાસ્ત્રોમાં દર્શાવ્યાં મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઊઠી અગિયારસના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને દેવ પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે.
એક પૌરાણિક કથા મુજબ, દેવઉઠી એકાદશીના દિવસે તુલસી અને ભગવાન વિષ્ણુના પ્રતીક શાલિગ્રામના વિવાહ કરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વિવાહ કરાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે.
તુલસી વિવાહના દિવસે તુલસીના છોડને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. તુલસીના છોડ પર સાડી અથવા ચૂંદડી ઓઢાડી, સોળ શણગાર અર્પણ કરી દુલ્હનની જેમ સજાવવામાં આવે છે.
તુલસીને દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તે સુખ સમૃદ્ધિ અને શાંતિની દેવી છે.શાલિગ્રામ શિલાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.તુલસી વિવાહના દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામની પૂજા કરવાથી વ્યક્તિને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.
એક ધાર્મિક માન્યતા અનુસાર, જે યુવક અથવા યુવતીના લગ્ન થવામાં સમસ્યાઓ આવતી હોય તો તેમણે તુલસી વિવાહ જરૂરથી કરાવવા જોઈએ. જેથી તેમના વિવાહમાં આવતા અવરોધો દૂર થાય છે.
દર વર્ષે કારતક સુદ અગિયારસે તુલસી વિવાહનું પર્વ ઉજવાય છે અને આ અગિયારસના દિવસે ધૂમધામથી તુલસીનું વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે.દેવઊઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરુપનું વિવાહ તુલસી માતા સાથે કરાવવામાં આવે છે.
પૌરાણિક કથાઓ અનુસાર, જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો.વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજેય બની ગયો હતો.બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતીમાતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી હતી.ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યુ હતું. જેમાં તેઓ હારી ગયા હતા તેથી બધા દેવતાઓ દુ:ખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા હતા. ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંઘરનું સ્વરૂપ ધારણ કરીને વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું હતું.જેથી જલંઘરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થવા લાગી હતી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો.ત્યાં સુધી વૃંદા ભગવાન વિષ્ણુના છળને સમજી ચૂકી હતી.
પતિના મોતથી દુ:ખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો હતો. બાદમાં બધા દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો હતો.પરંતુ ભગવાન વિષ્ણુ તેમના છળ કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા તેથી તેમણે વૃંદાના શ્રાપને અખંડ રાખવા માટે પોતાની જાતને એક પત્થરના સ્વરુપમાં પ્રકટ કરી.જે શાલિગ્રામ કહેવાયો. દુ:ખી વૃંદા પોતાના પતિ જલંધરનું મૃત્યુ થવાથી તેની પાછળ સતી થઇ ગઇ. વૃંદાની રાખમાંથી એક છોડ ઉત્પન્ન થયો.તે તુલસીનો છોડ કહેવાયો.વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામના પત્થરરૂપી ભગવાન વિષ્ણુનો વિવાહ તુલસીના છોડની સાથે કરાવ્યો. તેને દેવઊઠી અગિયારસ કહેવાય છે.
ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, “આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો. જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતા પણ વધારે પ્રિય હશો, તમારું સ્થાન મારા માથા પર હશે. એટલું જ નહીં તમારા વગર હું કોઈ પણ પ્રકારનું ભોજન ગ્રહણ નહીં કરું.” તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી પત્ર હોવું ખૂબ જ જરૂરી છે.
ભરૂચના વિવિધ મંદિરોમાં તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના શકિતનાથ મહાદેવના મંદિર ખાતે તુલસીવિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચમાં રહેતા દેવ્યાનીબેન રાજેશભાઈ મોદીને કન્યા પક્ષ તરફથી એટલે કે તુલસી માતાના માતા-પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું જ્યારે ભરૂચમાં જ રહેતા કિન્નરીબેન દીપકભાઈ મોદીને વર પક્ષ તરફથી એટલે કે ભગવાન શાલિગ્રામના માતા-પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.જ્યારે ત્યાં ઉપસ્થિત અન્ય લોકોએ જાનૈયાઓ તરીકેનો લાભ લીધો હતો.ઉપરોક્ત તુલસીવિવાહના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીનું પૂજન, અર્ચન, દર્શન, લગ્નવિધિ, આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ