ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલી રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લગતા દોડધામ:સદનસીબે કોઈ જાનહાની નહિ
ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલી રંગ લોર્ડ્સ ઇન હોટલમાં આગ લગતા દોડધામ મચી હતી. આગ અંગેની જાણ નગર સેવા સદનના ફાયર ફાયટરોને કરાતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચની એબીસી ચોકડી નજીક રંગ લોર્ડ્સ ઇન હોટલ આવેલી છે. તેમાં આજ રોજ બપોરના સમયે હોટલના બીજા માળે મુકેલા જુના સોફાના કવરોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ હોટેલ સ્ટાફ સહિત અંદર રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ધુમાડાના ગોટે-ગોટા નજરે પડતા હતા. આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને GNFC ના લાશ્કરોને કરવામાં આવતા તેઓએ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.