ભુજ શહેર કે સમસ્યાઓનો અડ્ડો…..? ભુજ તાલુકામાં ખુલ્લે આમ થઈ રહ્યું છે દારૂ, ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ……? ક્યારે આવશે આ સમસ્યાઓનો નિકાલ….?
ભુજ શહેર! કે જેની મુલાકાતે અનેક પ્રવાસીઓ આવતા હોય છે.અન્ય પ્રવાસીઓ માટે ભુજ એ આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ આપણે હકીકતથી અજાણ નથી કે છેલ્લા ટૂંક સમયની અંદર જ ભુજ તાલુકાના લોકોની શું હાલત બની ચૂકી છે.ભુજમાં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે જેમ કે, ભુજની અંદર મોટા મોટા ટાવરો તેમજ ગેરકાયદેસર બનતી મોટી બિલ્ડીંગો, વધતી જતી ગંદકી, ઉભરાતી ગટરો ઉપરાંત પાર્કિંગ પ્લોટો અંગે છેલ્લા ઘણા સમયથી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ભુજવાસીઓ પાર્કિંગ પ્લોટોની માંગ કરી રહ્યા છે પરંતુ શા માટે નથી મળતા..? આ તમામ બાબતો અંગે રજૂઆત પત્રો કે પ્રેસનોટો આપણે જોતાં જ આવ્યા છીએ. આવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે તેમજ જાહેર જનતાના મનમાં ઉઠી રહ્યા છે. આ તમામ બાબતો તો મોટા પ્રશ્નાર્થ ચિન્હ સ્વરૂપે છે જ પરંતુ આ તમામ સમસ્યાઓમાં મુખ્ય અને ગંભીર સમસ્યા ગણાવી શકાય તો એ દારૂ છે. ભુજ તાલુકામાં દારૂનું પ્રમાણ ખૂબ જ ઝડપી વેગે વધી રહ્યું છે. દારૂબંધી હોવા છતાં પણ બેફામ દારૂ વેંચાઈ રહ્યો છે. ભુજ તાલુકામાં ગેરકાયદેસરની ધંધા કરતાં શખ્સો ખુલ્લે આમ ફરી રહ્યા છે.છેલ્લા બે માસ જેવા સમયથી આપણે જોઈ શકીએ છીએ કે ભુજ તાલુકામાં બુટલેગરો બેફામ બની ચૂક્યા છે. ભુજમાં ફૂટપાથ પર ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ થઈ રહ્યું હોવાના કિસ્સા આવી રહ્યા છે, જાહેરમાં દારૂના ધંધા ચાલી રહ્યા છે, ગાંજાઓ એમડી ડ્રગ્સ તેમજ ગોળીઓ કોઈ પણ જાતના ડર વગર જાહેરમાં વેચાઈ રહ્યા છે. બુટલેગરો તો જાણે પોતાની મરજી હોય તે સ્થળે દારૂના હાટડા ખોલીને બેસી ગયા છે. આવા શખ્સો ધરપકડ થયા બાદ પણ તેઓ સુધરતા નથી. આવા કુપાત્રોને જાણે કાયદા કાનૂન કે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. “વધુમાં વધુ શું કરશે બે દિવસ ઝેલમાં પુરીને છોડી મુકાશે” આવા વિચારો સાથે આજના લોકો જીવન જીવી રહ્યા હોય તેવું અરીસા માફક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ તેવી રીતે અનેક વખત દારૂ ગાંજા અંગેની પ્રેસનોટ આવી રહી છે ત્યારે એ ખૂબ જ દુખ જનક બાબત કહી શકાય કે અન્ય પ્રવાસીઓ જેનું આકર્ષણ કેન્દ્ર આપણે ભુજ ગણાવતા આવ્યા છીએ એ ભુજની હાલત અત્યારે આ સ્તરે પહોંચી ચૂકી છે.આવા માહોલમાં આપના યુવાઓના ભવિષ્યની શું દશા થશે તે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે જો આવી જ પરિસ્થિતી પ્રવર્તમાન રહી જશે તો યુવાધનને બચાવવું મુશ્કેલ બની જશે. આપના દેશની કીમતી સંપતિ જો હોય તો એ આપણાં યુવાનો છે અને આપણાં દેશનું ધન જ કુમાર્ગે દોરી જતું હોય તો આપણી ફરજ છે કે આપણે આ પરિસ્થિતી બદલીએ અને આપણાં દેશના યુવાનોને સાચો માર્ગ બતાવી તેમનું ભવિષ્ય ઉજળું બને કારણ કે આ પરિસ્થિતીમાં પેઢીઓની પેઢીઓનું ભવિષ્ય બરબાદ છે. તેથી આવા આપણાં દેશના યુવાનો માટે ખતરા સ્વરૂપ બનેલ ધંધાઓને બંધ કરાવી તેનાં વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવનાર પેઢીના યુવાનો કુમાર્ગે ન દોરી જાય તે માટે કડક પગલાં સરકાર દ્વારા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.