ઉત્તર પ્રદેશના મેરઠમાં કરોડો રૂપિયાના નકલી સ્ટેમ્પનો ભાંડો ફૂટતા મચ્યો હાહાકાર : સ્ટેમ્પ ખરીદનારાઓની ખાડામાં પડયા હોય તેવી હાલત : કરોડોનો કૌભાંડ રચી માસ્ટરમાઈન્ડ થયો ફરાર
ઉત્તર પ્રદેશના મેરઠમાં કરોડો રૂપિયાના નકલી સ્ટેમ્પનો કૌભાંડ સામે આવતા હાહાકાર મચી ગયો છે. સ્ટેમ્પ ખરીદનારાઓની પણ ખાડામાં પડયા હોય તેવી હાલત બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે આ મામલામાં અત્યાર સુધીમાં 997 કેસ ચોપડે ચડ્યા છે, જેમાં રજિસ્ટ્રી વિભાગે નોટિસો પણ મોકલી છે. વધુમાં સૂત્રો જણાવી રહયા છે કે, આ સમગ્ર કૌભાંડમાં સ્ટેમ્પ એડવોકેટ વિશાલ વર્માનું નામ ખૂલ્યું છે અને તેને આખા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ બતાવાઈ રહ્યો છે. અનેક લોકોએ વિશાલ પાસેથી સ્ટેમ્પ ખરીદ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે.
કૌભાંડનો ખુલાસો થતાં જ રજિસ્ટ્રી વિભાગ દ્વારા સ્ટેમ્પ ખરીદનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રિકવરીની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. તો બીજીતરફ ખરીદનારાઓના મતે તેઓ ખુદ છેતરપિંડીનો શિકાર થયા છે. તેઓએ જેતે સમયે એડવોકેટ પર વિશ્વાસ રાખીને સ્ટેમ્પ ખરીદ્યા હતા અને રજિસ્ટ્રી વિભાગના અધિકારીઓએ તેને મંજૂરી પણ આપી દીધી હતી. જોકે હવે તપાસ કરવામાં આવી, તો તમામ સ્ટેમ્પ નકલી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ કૌભાંડના શિકાર થયેલા પીડિતોએ આરોપી એડવોકેટ વકીલ વિશાલ શર્મા વિરુદ્ધ કેસ નોંધાવ્યા છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર ફરિયાદીએ આરોપી વકીલ પાસે પ્રોપર્ટી વેંચવાના અને ખરીદવાના દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવ્યા હતા. આ માટે ફરિયાદીએ તેને એક લાખ રૂપિયા આપી અને રજિસ્ટ્રી કરવામાં આવી હતી. ત્યારબાદ રજિસ્ટ્રી વિભાગે ફરિયાદીને મે-2024માં સ્ટેમ્પ ચોરીની નોટિસ મોકલી હતી. બાદમાં ફરિયાદીએ તપાસ કરતાં તેની એક રજિસ્ટ્રીમાં એક લાખનો સ્ટેમ્પ નકલી હોવાનું લાગ્યું છે.
ગત વર્ષે રજિસ્ટ્રી વિભાગને બે શંકાસ્પદ સ્ટેમ્પ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી જેને પગલે સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે કેસ પણ નોંધવામાં આવ્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષમાં રજિસ્ટ્રી કરાયેલા સ્ટેમ્પનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એવો ઘટસ્ફોટ થયો કે, વિશાલ શર્મા દ્વારા 997 રજિસ્ટ્રિ કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, આરોપી શખ્સએ સ્ટેમ્પ ખરીદનારાઓના નામે સ્ટેમ્પ ખરીદ્યા હતા, તેથી રજિસ્ટ્રેશન વિભાગે સ્ટેમ્પ ખરીદનાર 997 લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યા છે. આ ઉપરાંત આટલા કેસો એસઆઈટી સ્ટેમ્પના કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે. AIGમાં કેસ નોંધાયા બાદ સ્ટેમ્પના રકમની રિકવરી કરવામાં આવી રહી છે. કેસ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ જતાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.