ભાવનગરના વલ્લભીપુરમાં આવેલા જાણીતા દાનવીરના બંગલામાં તસ્કરોએ સોના-ચાંદીની લગડી અને ભંડારામાં રાખેલ રોકડા મળી કુલ રૂ.૫ લાખની મત્તાની તસ્કરી કરી નાસી ગયા હતા. મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લામાં વલ્લભીપુરમાં આવેલા જાણીતા દાનવીર હર્ષદભાઈ પૂનમચંદભાઈ શાહની માલિકીના ‘હર્ષવિલા’ બંગલામાં મોડી રાત્રિના અરસામાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ રસોડાની બારીની ગ્રીલ તોડી બંગલામાં પ્રવેશ કરી રૂમના કબાટમાં રાખેલ સોનાની ચેઈન, સોનાની લગડી, ચાંદીની લગડી, ભંડારાની પેટીમાં રાખેલ રોકડ મળી કુલ રૂ.૪.૯૩ લાખની મત્તાની તસ્કરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે બંગલાના ચોકીદાર નિરંજનભાઈ ઉર્ફે નિરૂકાકા ચંદુલાલ શાહએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવતા પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરીયાદી ચોકીદાર બંગલામાં એકલા સૂતા હતા ત્યારે તસ્કરોએ કસબ અજમાવ્યો હતો. આ અંગે પોલીસ વધુ કાર્યવાહી ચલાવી રહી છે.