અંકલેશ્વરના સજોદ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ગોવાલી જઇ રહેલાં પરિવારની સીએનજી કારમાં અચાનક આગ ફાટી નીકળી

અંકલેશ્વરના સજોદ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ગોવાલી જઇ રહેલાં પરિવારની સીએનજી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. નાંગલ ગામ પાસે ગેસ પુરાવતી વખતે તરત આગ લાગતા કારમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો હતો. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામનો પરિવાર સજોદ ગામે લગ્ન પ્રસંગે ગયો હતો. લગ્નમાં હાજરી આપ્યાં બાદ એક મહિલા સહિતના ત્રણ સભ્યો પરત ગોવાલી ગામે જવા માટે નીકળ્યાં હતાં. તેઓ નાંગલ ગામ નજીક આવેલ સીએનજી પંપ ઉપર કારમાં ગેસ ભરાવવા માટે ઉભા રહયાં હતાં. તેઓ ગેસ ભરાવીને બહાર નીકળી રહયાં હતાં તે સમયે અચાનક કારમાં આગ લાગી હતી. આગ બુઝાવાય તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આખી કાર ભડકે બળી ગઇ હતી.આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.આ ઘટનાને પગલે સી. એન.જી પંપ પર દોડધામ મચી ગઇ હતી જો કે કાર પંપથી દૂર હોવાથી મોટી હોનારત થતાં અટકી હતી. કાર માલિકે જણાવ્યું હતું કે, પંપ પર ફાયર સેફટીના સાધનો નહિ હોવાથી આગ પર તરત કાબુ મેળવી શકાયો ન હતો. પંપ સંચાલકની આ બાબતે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર