ભરૂચ કલેક્ટરની અધ્યક્ષતામાં જન સુખાકારીના પ્રશ્નોની સમીક્ષા કરાઈ, પ્રજાકીય પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરની તાકીદ

ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની હાજરીમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોક સુખાકારીના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે મળેલા પ્રશ્નો અંગે ચર્ચા તથા સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપી જન પ્રતિનિધિઓના પ્રશ્નોની વિસ્તૃતમાં ચર્ચા કરી તેનો યોગ્ય નિકાલ કરવા અંગે બાહેંધરી આપી ભરૂચ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જન પ્રતિનિધિના પ્રશ્નોનો સમયસર અને સકારાત્મક નિકાલ કરી તેમને યોગ્ય પ્રત્યુત્તર પાઠવવાની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં તા.૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ યોજાશે વધુમાં, કલેકટરે જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચની સુચના અને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત ભરૂચ જિલ્લામાં જાહેર રજાઓના દિવસે એટલે કે, તા.૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બર-૨૦૨૪ના રોજ ખાસ ઝૂંબેશ યોજાનાર છે ત્યારે આ ઝૂંબેશને ખરા અર્થમા સફળ બનાવવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો છે. આ બેઠકમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રભાઈ વાંસદીયા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી. કે. સ્વામી,ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજનના વહીવટદાર યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, પ્રાંત અધિકારી સર્વ, નાયબ પોલીસ અધિક્ષક સહિત ભરૂચ જિલ્લાના વિવિધ વિભાગોના જિલ્લા – તાલુકાના અધિકારીઓ અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ