દ્વારકામાં ઓનલાઈન બુકિંગના નામે યાત્રાળુઓ સાથે થતી છેતરપિંડીના કિસ્સામાં નોંધાઈ વધુ એક ફરિયાદ : હોટેલ બૂકિંગના નામે વધુ એક યાત્રી સાથે ઠગાઈ
દ્વારકમાં વધુ એક વખત ઠગાઈનો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં ફરી એક વખત હોટેલનાં નામે યાત્રિક સાથે ઠગાઈ થઈ હોવાનું જણાઈ રહ્યું છે॰ ત્યારે સૂત્રો જણાવી રહયા છે, દ્વારકા પંથકમાં હોટેલ વ્યવસાયના વધતા જતા વ્યાપ વિસ્તાર અને લોકપ્રિયતા વચ્ચે અગાઉ જાણીતી હોટલોના નામની ફેક આઈડી અને વેબસાઈટ બનાવી ઓનલાઈન બુકિંગના નામે યાત્રાળુઓ સાથે છેતરપિંડી થઈ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળી રહ્યું છે કે આ મામલે દ્વારકામાં રહેતા અને હોટલ શ્રીદર્શન હોટલ ધરાવતા મુકેશભાઈ ડાયાલાલ ઘઘડા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યા શખ્સોએ તેમની હોટેલના નામની વેબસાઈટ જેવી ફેક વેબસાઈટો બનાવી, અને તેનો ઇન્ટરનેટના માધ્યમથી દુરુપયોગ કરેલ છે. અને બાદમાં આ ફેક વેબસાઈટ ગૂગલ સર્ચ પર અપલોડ કરી હતી.જેના માધ્યમથી દ્વારકા દર્શનાર્થે આવતા અલગ અલગ દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ પાસેથી હોટેલ બુકિંગના નામે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવેલ હતા. આ મામલે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.