અંજારની કે. કે. એમ. એસ. ગર્લ્સ હાઈસ્કૂલની દીવાલ પાસે થયેલાં દબાણ હટાવવા અંગે રજૂઆત

 સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, અંજારની કે. કે. એમ. એસ. ગર્લ્સ હાઈસ્કૂલની દીવાલ પાસે થયેલાં દબાણ હટાવવા અંગે શાળા અને સંગઠન દ્વારા સુધરાઈ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે કે. કે. એમ. એસ. શાળાના આચાર્ય દ્વારા મુખ્ય અધિકારી, અંજાર પ્રાંત અધિકારી, મામલતદારને દબાણની સમસ્યા બાબતે રજૂઆત કરતો પત્ર પાઠવવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા પ્રમાણે દેવળિયા નાકા નજીક વિસ્તારમાં શાળા સંકુલની દીવાલ આસપાસ જ જાહેર રસ્તા ઉપર નજીકમાં ધંધાદારી દબાણો વધી રહ્યાં છે. આ દબાણોનાં કારણે  કન્યાશાળાની આસપાસનો વિસ્તાર સામાજિક રીતે અસુરક્ષિત અને ટ્રાફિકની દ્રષ્ટિએ ખૂબ જ અવ્યવસ્થા ભરેલો માહોલ સર્જાય છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ હોવાનું જણાંવવામાં આવેલ છે. હવે વેકેશન ખૂલવાની સાથે જ ટ્રાફિક સમસ્યા અને કન્યાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દબાણ હટાવવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, નગરપાલિકાની મીઠી નજર તળે દબાણો કરાયાં હોવાનો આક્ષેપ કરી જો પખવાડિયામાં  કાર્યવાહી નહીં કરાય તો આંદોલન છેડવાની ચીમકી આપવામાં આવેલ હોવાનું જણાઈ રહ્યું છે.