દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે ઉપર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ગાડીમાં સવાર માતા–પુત્રના કરૂણ મોત

 આમોદ તાલુકાના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇ-વે ઉપર બે અર્ટીકા કાર અને એક ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા ગાડીમાં સવાર માતા અને પુત્રનું અસ્માતમાં કરૂણ મોત થયુ હતું.જયારે પિતા અને પુત્રને સામાન્ય ઈજાઓ થઈ હતી.
 આમોદ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે દિલ્હી–મુંબઈ એકસપ્રેસ હાઇવે ઉપર કારના ચાલકે ગફલતભરી અને બેફિકરાઈથી ગાડી હંકારી જતા ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી.જેની પાછળ બીજી ગાડી પણ ઘુસી જતાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇ-વે ઉપર વહેલી સવારમાં જ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં માતા નિશાબેન અશોકભાઈ પટેલ તેમજ તેમના પુત્ર નિર્મિત અશોક પટેલનું કરૂણ મોત થયું હતું.જ્યારે પિતા અશોકભાઈ શામજી પટેલ તેમજ પુત્ર જીત અશોક પટેલને સામાન્ય ઈજાઓ થઈ હતી.જે ચારેયને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવતા માતા નિશાબેન પટેલ તેમજ પુત્રને નિર્મિત પટેલને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.આમોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.આમોદ પોલીસે મરણ જનાર માતા તથા પુત્રનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને લાશ પરત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર:- કેતન મહેતા, આમોદ