રાજપારડી ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા ૧.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી થયા ફરાર

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે રાત્રી ચોરો એક બંધ મકાનને નિશાન બનાવીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા ૧,૮૭,૫૮૫ ના મુદ્દામાલની ઉઠાંતરી કરી ગયા હતા.
આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી ગામે કન્યાશાળા ફળિયામાં રહેતા કનુભાઈ દેવશીભાઈ રબારી બિમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે મકાનને તાળુ મારીને વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા અને તેમના નાનાભાઈ મહેશભાઈ રબારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું.આ સમય દરમ્યાન સવારના પાંચેક વાગ્યાના અરસામાં મહેશભાઈ તેમના ભાઈના બંધ મકાનને જોવા ગયા ત્યારે મકાનના આગળના દરવાજાના નકુચા તુટેલા હતા.અંદર જઈને જોતા મકાનના રૂમમાં આવેલ ત્રણ દિવાલ કબાટોના લોક તુટેલા હતા અને સામાન વેર-વિખેર પડેલો હતો.મહેશભાઈએ આ અંગેની જાણ વડોદરા ગયેલ તેમના ભત્રીજા ધાર્મિકને ફોન દ્વારા કરી હતી.ત્યારબાદ મહેશભાઈના ભાભીનો ફોન દ્વારા સંપર્ક કરતા તેમણે કબાટમાં મુકેલ સોના-ચાંદીના દાગીનાની માહિતી આપી હતી.પરંતું કબાટમાં મુકેલ આ દાગીના તેમની જગ્યાએ જણાયા ન હતા તેથી ત્રણ કબાટમાં મુકેલ સામાનને તસ્કરો ઉપાડી ગયા હોવાની ખાતરી થઈ હતી.તસ્કરો મકાનમાંથી સોના-ચાંદીના વિવિધ દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા ૧,૮૭,૫૮૫ નો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાનું જણાયું હતું, જેથી મકાન માલિક કનુભાઈ રબારીના ભાઈ મહેશભાઈ દેવશીભાઈ રબારી, રહે.રાજપારડી તા.ઝઘડિયાનાએ બંધ મકાનનું તાળુ તોડી સામાન ઉઠાવી જનાર અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
રિપોર્ટર:- કેતન મહેતા, ઝઘડિયા