મરણના દાખલમાં છેકછાક કરોડો રૂપિયાની જમીન પચાવી જવાનો રચાયો ષડયંત્ર
વરસામેડીની જમીન ખરીદવા માટે એક વખત બની ગયેલા મરણના દાખલમાં ગેરરીતિ આચરી છેકછાક કરી ખોટો મરણનો દાખલો ઊભો કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આંચરવામાં આવેલ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે કે, આ અંગે મુંબઈના મુલુંડ ખાતે રહેતા નવીન રમણીક રૂપારેલ દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસને લેખિત અરજી કરવામાં આવેલ છે. તેમના દ્વારા કરવામાં આવેલ લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર ફરિયાદીના પિતાજી સ્વ. રમણીક વલમજી રૂપારેલનું અવસાન તા. ૨૫-૩-૧૯૯૭ના રોજ થયું હતું જેની નોંધ તા. ૩-૪-૯૭ના તેમણે જાતે ગાંધીધામ નગરપાલિકા ખાતે કરવામાં આવેલ હતી. અને બાદ તા. ૧૦-૧૧-૯૭ના તેમના પિતાજીના મરણના દાખલામાં સુધારો કરી રમણીક વલમજીની જગ્યાએ આડી લીટી (છેકછાક) કરી પાલિકાના કર્મચારી દ્વારા મંગલજી વલમજી કરી દેવામાં આવેલ હતું. તેવું ગાંધીધામ નગરપાલિકા દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને લખવામાં આવેલા પત્રમાં દર્શાવવામાં આવેલ છે. કયા પુરાવાના આધારે આ નામ સુધારો કરવામાં આવેલ અને કયા કારણોસર કરવામાં આવેલ છે તેની કોઈ નોંધ જ નથી ભ્રષ્ટાચાર કરી મરણના દાખલામાં નામ બદલી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવેલ હતો. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મંગલજીના નામનો ખોટો ઉપયોગ કરી વરસામેડી ખાતે તેમના નામે જમીન કરાવી કરોડો રૂપિયા ચાઉ કરી જવાનો ષડયંત્ર તેમના સગા ભાઈ અને તેમના પુત્ર હિતેશ રૂપારેલ દ્વારા રચવામાં આવેલ હોવાના આક્ષેપો કરવામાં આવેલ છે. આ મામલે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.