બેફામ ખનિજચોરી સામે કોઈ કાર્યવાહી ન થતાં લોકોને હાલાકી : બેફામ ખનિજચોરી થવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી

સૂત્રો જણાવી રહ્યા છે કે, ગાંધીધામના અમુક ગ્રામ્ય વિસ્તારમાં બેફામ ખનિજચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. માટી, રેતીનું ખનન થઇ રહ્યું છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય તેવું જણાઈ રહયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામના શિણાય, મીઠીરોહર, ખારીરોહર, પડાણા, ચુડવા જેવા વિસ્તારોમાં  ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે.વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલમાં બ્લેક ટ્રેપ, નદીની રેતી અને સાદી માટીનું ખનન થઇ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ઉપરાંત ખાણોમાંથી નીકળતાં વાહનોમાં પણ ઓવરલોડ માલ ભરવામાં આવી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આદિપુર તરફ દોડતાં મોટા વાહનો નાના વાહનચાલકો માટે યમદૂતસમાન છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત આવા વાહનોના ચાલકો માલ પર તાડપત્રી પણ ઢાંકતા નથી, જેના કારણે પાછળથી આવતા નાના વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ આંગે તુરંત કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.