અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા દ્વારા જન જાતિ ગૌરવ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઇ…

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાત રાષ્ટ્ર હિત, શિક્ષક હિત અને સમાજ હિતના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે, જે દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ, ગુરુવંદન દિવસ, માતૃશક્તિ દિનની ઉજવણી કરે છે. ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતીના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતની રાજ્ય કારોબારીમાં સર્વાનુમતે ભગવાન બીરસા મુંડા જન્મ જયંતીની તમામ તાલુકાઓમાં ઉજવણી કરવાનુ નક્કી કરવામા આવેલ હતુ. જેના ભાગ રૂપે ભગવાન બીરસા મુંડાના જીવન-કવન વિશે સમાજ અને શિક્ષકો સહિત શાળાના વિદ્યાર્થીઓ પણ વાકેફ થાય એ હેતુથી સેવા સાધના કાર્યાલય ભુજ મધ્યે આયોજન કરવામાં આવેલ હતુ. સૌ પ્રથમ ભગવાન બિરસા મુંડાની છબીને પુષ્પ અર્પણ કર્યા બાદ દિપ પ્રજવલ્લન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોનું શ્રીમદ ભગવદ ગીતા પુસ્તક, બિરસા મુંડાની છબી, પેમ્પ્લેટ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્વ ભૂમિકા અને પ્રસંગ પરિચયની માહિતી પ્રાથમિક જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા આપવામાં આવી હતી. મુખ્ય વક્તા પોલીટેક્નિક કોલેજ ભુજના વ્યાખ્યાતા દીપેશભાઈ ચૌહાણે અંગ્રજો સામેની લડત, જનજાતિના કલ્યાણ માટેની ચળવળો , અંગ્રેજો દ્વારા જનજાતિ સમાજ અને અન્ય સમાજ પર થતા અન્યાયો, અત્યાચારો સામે લડત ચલાવી તેમના અદમ્ય સાહસો અંગે એમની આગવી શૈલીમાં વિસ્તૃત રીતે સમજ આપી હતી. આમ, બિરસાજીના કાર્યોને સમાજ સુધી પહોચાડવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભુજ તાલુકા દ્વારા બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે પોલીટેકનિક- ભુજ કોલેજના વ્યાખ્યાતા મયુરભાઈ રાણા, અતિથિ વિશેષ તરીકે સરકારી હાઇસ્કુલ- ઢોરીના શિક્ષિકા રમીલાબેન ડામોર, જિલ્લા સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, પ્રાથમિક જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ, મહિલા ઉપાધ્યક્ષ રાખીબેન રાઠોડ, સરકારી માધ્યમિક જિલ્લા કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, માધ્યમિક ગ્રાન્ટેડ પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ તેમજ જાણીતા શિક્ષણવિદ્ જાગૃતિબેન વકીલની પ્રેરક ઉપસ્થિત રહેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભુજ તાલુકા ટીમે જહેમત ઉઠાવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગાએ અને આભારવિધિ જિલ્લા સરકારી માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ કરેલ હતી. કલ્યાણ મંત્ર ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની દ્વારા કરાવવામાં આવેલ હતો, તેવું તાલુકા પ્રચાર પ્રમુખ રમેશભાઈ પરમારની યાદીમાં જણાવાયું હતું.