ભચાઉ તાલુકાનાં ચોપડવા ગામના સીમ વિસ્તારમાં ઝેરી પાણી છોડતાં એકમો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત  

ભચાઉ તાલુકાનાં ચોપડવા ગામના સીમ વિસ્તારમાં ખાનગી મીઠાંની કંપનીઓ દ્વારા વર્ષોથી ઝેરી કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું હોવાથી આ મામલે ગાંધીધામ પ્રદૂષણ નિયંત્રણ અધિકારીને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાનગી કંપનીઓ દ્વારા મીઠાંને વોશિંગ કર્યા બાદનું કેમિકલયુક્ત પાણી જાહેર સરકારી જમીન પર છોડાતાં કેટલાય ખેડૂતોનાં ખેતરોને બિનઉપજાઉ કરી, સરકારી જમીનોને પણ ઝેરી-બંજર બનાવવા સહિત વર્ષોથી મોટાપાયે પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે, પ્રદૂષણથી આસપાસના વન-વગડામાં, ગૌચર તથા સરકારી જમીનોમાં ઘાસનું તણખલું પણ ઊગેલું જોવા મળતું નથી.  કેમિકલની અસરથી કેટલીક વખત ઘેટાં-બકરાંના મૃત્યુના બનાવો બનેલ હોવાનું પણ સામે આવી ચૂક્યા છે. ટેન્કરો વાટે ઝેરી કેમિકલયુક્ત પાણીનો નિકાલ કાયમી ધોરણે ખુલ્લામાં છોડાતાં ગ્રામજનોને સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાવાનો ડર છે. વધુમાં લોકોનું કહેવું છે કે આ મામલે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને કડક પગલાં  લેવાય તેવી લોક માંગ ઉઠી છે.