લોન પૂરી કરાવવાનાં બહાને મહિલા સાથે 28 હજારની ઠગાઈ

copy image

ભુજમાં લોન પૂરી કરાવવાનાં બહાને મહિલા સાથે 28 હજારની ઠગાઈ થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી મહિલાએ આઇડીએફસી બેંકમાંથી લોન પર એક્સેસ ટુ-વ્હીલર લીધું હતું જેના ત્રણ હપ્તા ચડી જતાં રિકવરી એજન્ટ ગાડી લઇ ગયેલ હતા. બાદમાં બાકીના ત્રણ હપ્તા ભરી ગાડી છોડાવી લીધી હતી. વધુમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર બાકીના હપ્તા રિકવરી એજન્ટ યશરાજસિંહ જાડેજા અને તેમની સાથે કામ કરતા દિવ્યરાજસિંહ પરમારને આપવાનું જણાવ્યું હતું. છ હપ્તા ભરાયા બાદ આરોપી શખ્સે ફોન દ્વારા જણાવેલ કે તમારી લોનના હપ્તાની બાકી રકમ રૂા. 50 હજાર છે. બેંક સાથે સેટલમેન્ટ કરી 28 હજાર ભરી દો. સેટલમેન્ટ લેટર હું મેળવી આપીશ. જેથી ગત તા. 8/4/24ના રૂા. 28 હજાર લઇ લીધા બાદ સેટલમેન્ટ લેટર ન મળતાં ઉપરાંત એન.ઓ.સી. મળતાં બેંકમાં તપાસ કરતાં લોનના રૂા. 48000 બાકી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં મહિલા સાથે 28 હજારની ઠગાઈ થઈ હોવાનું સામે આવતા આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જે અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.