ભચાઉ-દુધઈ રાજ્ય ધોરીમાર્ગ પરની આવેલ વાડીમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી : કોઈ જાનહાનિ નહીં પરંતુ ખેડૂતને ભારે નુકશાન
ભચાઉ-દુધઈ રાજ્ય ધોરીમાર્ગ પર આવેલ વાડીમાં શોર્ટસર્કિટના લીધે આગ ભભૂકી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રિના સમયે આ આગનો બનાવ બન્યો હતો. ભચાઉ ભુજ હાઇવે પર આવેલી કરમશી પટેલની વાડીમાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગનો બનાવ બન્યો હતો. અહી આવેલ રહેણાંક મકાન પર રાખેલા ટપક પદ્ધતિ માટેના પાઇપના મોટા જથ્થામાં અચાનક આગ ભભૂકી હતી જે થોડા જ સમયમાં આસપાસના વિસ્તારમાં ફેલાઈ હતી. આ બનાવ અંગે જાણ થતાં ભચાઉ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ બનાવને કારણે ખેડૂતને ભારે નુકશાની થઈ હોવાનું જણાઈ રહ્યું છે.