સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં એક સાથે દુષ્કર્મની ચાર ઘટનાઓ સામે આવતા લોકોમાં રોષનો માહોલ : આવા નરાધમોનો સખ્ત સજા આપવા ઉઠી લોકમાંગ
સૂત્રો જણાવી રહ્યા છે મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં એક સાથે દુષ્કર્મની ચાર ઘટનાઓ સામે આવતા લોકોમાં રોષનો માહોલ સર્જાયો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમરેલીના વડીયામાં, અમદાવાદના વાસણા, અમદાવાદના સાબરમતી અને ભાવનગરના વરતેજ ગામમાં બનેલી ઘટનોમાં યુવતી, બે સગીરા અને એક માસુમ બાળકી હવસખોરોનો શિકાર બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમરેલીમાના વડીયાના કુકાવાવ ગામમાં 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ચાર વ્યક્તિઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સોને પકડી પાડવા વધુ તપાસ આરંભી છે. ઉપરાંત અમદાવાદના વાસણા વિસ્તારમાં 12 વર્ષની સગીરા હવસખોરની શિકાર બની હતી. જાણવા મળી રહ્યું છે કે આરોપીએ સગીરાની માતા સાથે મિત્રતા કરી હતી. મૈત્રી સંબંધના રૂપે તે અવાર-નવાર ઘરે પણ આવતો હતો. તેની નજર પોતાની મિત્રની 12 વર્ષની બાળકી પર બગડી. આ માસૂમ બાળકીની એકલતાનો લાભ લઈ આ હૈવાને સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.સગીરાના પિતા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક ધોરણે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવેલ છે જેમાં પાડોશી યુવકે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.જાણવા મળી રહ્યું છે કે આરોપીએ સગીરાને રસોઈના બહાને ઘરે બોલાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.વધુમાં આરોપીએ સગીરાની બદનામી કરી તેની બહેનને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત અન્ય એક દુષ્કર્મની ઘટના ભાવનગરના વરતેજ વિસ્તારમાં બની છે. જેમાં નરાધમે 5 વર્ષની માસૂમ બાળકીને પણ છોડી ન હતી. પાડોશમાં રહેતા 21 વર્ષીય રાક્ષસે ચારથી પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બાળકીની સ્થિતિ નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની સ્થિતિ વર્તાઈ છે. આ સમગ્ર મામલાઓ દિન પ્રતિ દિન વધી રહ્યા છે આવા વાતાવરણમાં આપના દેશની બેન દીકરી સુરક્ષિત જીવન કેવી રીતે જીવે શકે જ્યાં પોતાના ઘરમાં જ તેઓ અસુરક્ષિત હોય. આવા ગુના કામેના આરોપીઓને સખ્ત સજા આપવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.