જાડવાથી મોટીબેરને જોડતો ડામર માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં
લખપત ખાતે આવેલ જાડવાથી મોટીબેરને જોડતો ડામર માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં પડ્યો હોવાનું સામે આવ્યું છે. જેના પરીણામ સ્વરૂપ આ વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપત તાલુકાના જાડવાથી અબડાસા તાલુકાને જોડતા મોટીબેર સુધીના ડામર માર્ગમાં પડેલા ઠેર ઠેર ખાડાઓ તેમજ રસ્તા પર આવેલ પુલોમાં પડેલા ગાબડાઓને કારણે આ માર્ગની હાલત અતિ બિસ્માર બની ચૂકી છે. જેના કારણે આ માર્ગેથી પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વધુમાં આ મામલે જાણવા મળી રહ્યું છે કે, અનેક વખત આ અંગે રજૂઆતો બાદ કામ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ તે કામ પણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડી રહેલ છે. અહીથી પસાર થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી વહેલી તકે આ માર્ગનું અધૂરું છોડી દેવામાં આવેલું કામ શરૂ કરવામાં તેવી માંગ ઉઠી છે.