કચ્છમાં ખાંડનો જથ્થો પૂરતો ન મળતા અનાજના દુકાનદારો-ગ્રાહકો વચ્ચે તૂતૂ-મેમે
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે કચ્છ જિલ્લામાં ગરીબ રાશનકાર્ડ ધારકોને દર મહિને રાહતદરે વિતરીત કરાતી ખાંડનો પૂરતો જથ્થો ન આપવામાં આવતા સસ્તા અનાજના દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે રોજિંદી માથાકુટ બની છે. અગાઉથી જ ટેન્ડરીંગ પ્રક્રિયા ન થતાં સસ્તા અનાજની દુકાનો સુધી ખાંડનો પૂરતો જથ્થો પહોંચતો નથી કેમ કે, પરમીટ એક જ વખત જનરેટ થાય છે જેથી એક વખત ચોખા, ઘઉં સહિતની વસ્તુ માટે પરમીટ બાદ બાકી રહેતી ખાંડ માટે પરમીટ જનરેટ ન હોવાના કારણે દુકાનદારો તેમની પાસે પડેલા અગાઉના જથ્થામાંથી જ વિતરીત કરતા હોય છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે પરમીટ જનરેટ થયા બાદ પણ પુરવઠા નિગમ દ્વારા ખાંડનો જથ્થો જ અપૂરતો આપવામાં આવે છે. નવેમ્બર મહિનાના વિતરણ હેઠળના ચોખા અને ખાંડનો જથ્થો અડધો જ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.