અમદાવાદમાં ઠગબાજોએ કંપનીના મેનેજરને ગોટાળે ચડાવી 1.98 કરોડ સેરવી લીધા

copy image

અમદાવાદની એક કંપનીના મેનેજર સાથે 1.98 કરોડની ઓનલાઇન ઠગાઈ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પ્રેરણાતીર્થ દેરાસર નજીક રત્નાકર બ્લુ મોન્ડમાં રહેતા મનિષ ધીરજ કંસારા શહેરની વેલ્થ ફર્સ્ટ પોર્ટફોલિયો મેનેજરર્સ લિ. કંપનીમાં ફાઇનાન્સિયલ મેનેજર તરીકે કામ કરે છે. જાણવા મળી રહ્યું છે કે ફાઇનાન્સને લગતી બાબતોની સીધી ચર્ચા કંપનીનો માલિક એટલે કે આશિષ શાહ મનિષ કંસારા સાથે કરતા હોય છે. ગત મંગળવારે મેનેજરના વોટ્સએપ પણ એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવેલ હતો. જેના ડીપી પર તેની કંપનીના માલિકનો ફોટો હતો. મેસેજમાં એવી સૂચના આપવામાં આવી હતી કે આ મારો કામ કાજ માટેનો નંબર છે માટે સેવ કરી લો.મનિષ કંસારાએ આ નંબર કંપનીના માલિક આશિષ શાહના નામથી સેવ કર્યો હતો. બાદમાં ઠગબાઝે મેસેજમાં બેંક બેલેન્સ ચેક કરી જણાવવાનું કહ્યું હતું. જેથી મેનેજરે બેલેન્સ 10 કરોડ રૂપિયા હોવાની માહિતી આપતા તરત જ ચેટ પર મેસેજ કરવામાં આવ્યો કે નવા પ્રોજેક્ટ માટે એડવાન્સ પેમેન્ટ ચૂકવવાનું છે. તાત્કાલીક એક એકાઉન્ટ નંબરમાં રૂપિયા 1.98 કરોડ ટ્રાન્સફર કરો. જેથી મેનેજરે તરત જ 1.98 કરોડ ટ્રાન્સફર કરી દીધા. ત્યારબાદ તેણે અજુગતું લાગતાં આશિષ શાહને ફોન કરીને આ બાબતે પૂછતાં તેમણે આવો કોઇ જ મેસેજ નહીં કર્યો હોવાનું સામે આવ્યું હતું. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવતા આ મામલે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવેલ છે. જે અનુસંધાને પોલીસે આગળની વધુ તજવીજ હાથ ધરી છે.