મોરબીમાં ટ્રકની હડફેટે 21 વર્ષીય બાઈકચાલકનું મોત
મોરબી ખાતે આવેલ બહાદુરગઢ ગામના પાટિયા નજીક ટ્રકના ચાલકે બાઈકને હડફેટમાં લેતા 21 વર્ષીય બાઇક ચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના જુના નાગડાવાસ ગામના સીમ વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ કોયાભાઈ ડીડોરએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીનો નાનો ભાઈ નીલેશ પોતાનું બાઇક લઈને દૂધ લેવા જઈ રહ્યો હતો તે દરમ્યાન બહાદુરગઢ ગામના પાટિયા નજીક એરોન કારખાના સામે પહોંચતા પાછળથી પુરપાટ આવતી ટ્રકના ચાલકે આ બાઈકને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા આ યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.