બન્ની વિસ્તારમાં વન વિભાગ દ્વારા ખોદવામાં આવેલ ખાઇઓ ગાય-ભેંસો તેમજ અન્ય વન્યજીવો માટે મોતનો કૂવો
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બન્ની વિસ્તારમાં વન વિભાગ દ્વારા ખોદવામાં આવેલ ખાઇઓ અવાર નવાર ગાય-ભેંસનો ભોગ લઈ રહી છે. ત્યારે પનાવરી ગામની નજીક વધુ એક ભેંસ મૃત્યુ પામતાં પશુપાલકોમાં રોષનો માહોલ જોવા મળી રહયો છે. એશિયાના સૌથી શ્રેષ્ઠ ઘાસિયા મેદાન એવા બન્નીમાં વનતંત્ર દ્વારા ઘાસના પ્લોટ પાડી દેવાયા છે. પ્લોટની ફરતે મોટી ખાઇઓ ખોદવામાં આવી છે, જેથી સમયાંતરે આ ખાઇમાં પડી જવાના કારણે ગાય, ભેંસ મોતના મોમાં ધકેલાઈ રહી છે. ભુજના પનાવરી ગામની નજીક વનતંત્ર દ્વારા ખોદવામાં આવેલ ખાઇમાં વધુ એક ભેંસ પડી જતાં મૃત્યુ પામી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કતલખાનામાં જેટલા પશુઓના મોત થતા હશે તેના કરતાં આ રીતે વન વિભાગ દ્વારા ગાય, ભેંસોની કતલ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ અંગે અગાઉ કલેક્ટરને આવેદન પત્ર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી તે સમયે 113 અને ત્યારબાદ વધુ 23ના ગાય-ભેંસ ખાઇમાં પડી જવાના કારણે મોતના મોમાં ધકેલાઈ હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે છેલ્લા ચાર દિવસમાં જ 7 ગાય-ભેંસ મોતને ભેટી છે. અગાઉ એક સાથે 15 ગાયો ખાઇમાં પડી જવાથી મરણ પામેલ હતી. વધુમાં ગોરેવાલી નજીક હરણ પણ ખાઇમાં પડી ગયા બાદ ફેક્ચર થતાં ભાગી ન શકતાં શિયાળે તેનો શિકાર કરી લીધો હતો. આ હકીકત વન તંત્ર દ્વારા જાહેર કરવામાં ન આવેલ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે ઉપરાંત અહીં એક નહીં પણ છ હરણના ખાઇમાં પડી જવાથી મોત થયા છે.