ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરના એક ગોદામમાંથી 17.26 લાખના કલરની તસ્કરી થતાં આરોપી શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ
ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહરના એક ગોદામમાંથી રૂા. 17,26,028ના કલરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ ચોરી મામલે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર મીઠીરોહર જી.આઇ.ડી.સી.માં મહાલક્ષ્મી વેરહાઉસ પૈકી નંબર 34, 35માં રિષભ લોજિસ્ટિક પેઢીમાં એશિયન પેઇન્ટસ કલરનું કોન્ટ્રાક્ટ બેઝ પર મેનેજમેન્ટ કરવાનું કામ થાય છે. ગત તા. 26/11ના ગોદામમાં રહેલા માલની ગણતરી કરાતાં કલરની બાલદીની સંખ્યા ઓછી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવતા ક્યુરિટી ગાર્ડ કેમેરા બંધ કરતો જણાયો હતો તેણે કેમેરા બંધ કરી ગેટ પર વોચ રાખી હતી, જ્યારે અન્ય ત્રણ શખ્સો ગોદામમાં ઘૂસી તેમાંથી 20 લિટરની અલ્ટીમા પ્રોટેક્ટની 17, અલ્ટીમા એચ.ક્યુ.-2એનની 85, રોયલ આર-1 બી-1 એનની 19.5 લિટરની 56, એપેક્ષ ડસ્ટ પ્રૂફની 20, એપ્કોલાઇટની પાંચ એમ કુલ 183 બાલદી કિંમત રૂા. 17,26,028નો માલ બોલેરોમાં ભરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે નામજોગ આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.