૨૧ મી પશુધન ગણના ૨૦૨૪, કચ્છના માલધારીઓના પશુધનની સચોટ ગણતરી થાય તે માટે કેન્દ્રીય પશુપાલન નિયામકનું કચ્છમાં નિરીક્ષણ
ભારત સરકાર દ્વારા દર પાંચ વરસે પશુઘન ગણના કરવામાં આવે છે, અત્યાર સુધી ૨૦ વખત પશુઘન ગણના ગણના થઈ ચુકી છે. હાલમાં ૨૧ મી પશુધન ગણનાનું કાર્ય ચાલુ છે. આ વખતે પશુઘન ગણનામાં માલધારીઓના પશુધનની ગણતરી પણ સૌ પ્રથમ વખત કરવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. પશુધન ગણતરીની પ્રક્રિયા મુજબ ગણતરી કરનાર એન્યુમરેટર મહોલ્લા, શેરી અને દરેક વોર્ડમાં ઘર ઘર જઈને દરેક ઘર ને ઘર નંબર આપીને તે ઘરના પશુધનની ગણતરી કરવાની હોય છે. માલધારીઓ ઘર અને ગામથી બહાર સીમાડાઓમાં પશુઘન ચરાવતા હોય છે, જેથી તેમનું પશુધન ગણતરીમાંથી બાકાત રહી જાય છે, જેના કારણે તેઓ સરકારી લાભો અને યોજનાઓથી પણ વંચિત રહી જાય છે, આ ઉણપને દુર કરવા માટે માલધારીઓ જ્યાં જંગલ, વગડામાં હોય ત્યાં એન્યુમરેટર પહોંચે અને દરેક માલધારીને શોધીને તેના પશુધનની સચોટ ગણતરી કરે તેવી જોગવાઈ ૨૧મી પશુધન ગણનામાં કરવામાં આવી છે.
દેશના રર રાજ્યોમાં વિચરતા માલધારી સમુદાયો જોવા મળે છે, જેમાં ગુજરાત અગ્રેસર છે, ગુજરાતના ૨૦ જેટલા જિલ્લાઓમાં માલધારીઓ જોવા મળે છે, કચ્છમાં સૌથી વધારે માલધારી સમુદાયો જોવા મળે છે. હાલમાં પશુઘન ગણના ચાલી રહી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં કચ્છ જિલ્લો પશુધન ગણનામાં સૌથી અગ્રેસર છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત માં રબારી, ભરવાડ, જેવા માલધારીઓ બહોળી સંખ્યામાં જોવા મળે છે. કચ્છ એ માલઘારીઓનો પ્રદેશ કહેવાય છે, અહીં રબારી, ભરવાડ, ફકીરાણી જત, બન્નીના માલધારી, સમા, સોઢા, આહીર, ચારણ જેવા માલધારી સમુદાયો જોવા મળે છે. ચાલુ વરસે પશુધન ગણતરી મોબાઇલ એપ્લીકેશન દ્વારા પશુધન ગણના થઈ રહી છે. કચ્છમાં અને સૌરાષ્ટમાં માલધારીઓની બહોળી સંખ્યા હોવાથી પશુઘન ગણનામાં તેમની ગણના અંગે બહોળી જાગૃતિ, પ્રચાર-પ્રસાર અને મૂલ્યાંકન માટે ભારત સરકાર પશુપાલન મંત્રાલયના પશુધન સ્ટેટાસ્ટીકના ડાયરેકટર શ્રી વિશ્વનાથ પ્રતાપ સીધ સ્વયં કચ્છ ખાતે માલધારીઓ સાથે સંવાદ કરવા તેમજ પશુઘન ગણતરીની માલધારીઓ ની ગણનાનું મૂલ્યાંકન કરવા ૩ દિવસ માટે કચ્છની મુલાકાત લીધી
મુલાકાતના પ્રથમ દિવસે જિલ્લા પંચાયત ભુજ ખાતે કચ્છ સૌરાષ્ટ્ર માલધારી સમુદાયો સાથે સૈવાદ કાર્યક્રમ આયોજીત કર્યો હતો, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ૮૦ જેટલા માલધારીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાં માલઘારીઓ જ્યાં જ્યાં પોતાના પશુધન સાથે પ્રવાસ કરતા હોય ત્યાં ત્યાં પશુધન ગણના અધિકારી પહોચીને તેમની ગણના થશે તેવુ જણાવ્યુ હતુ. ભુજ ખાતેથી સમગ્ર રાજયના પશુધન ડીસ્ટ્રીકટ નોડેલ ઓફીસર તેમજ રાજ્યના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરી સમગ્ર રાજ્યની કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં વિચરતા માલધારીઓના પશુધનને આવરી લેવા ખાસ નોંધ લીધી હતી. મુલાકાતના બીજા દિવસે શ્રી વી.પી.સીંગ, (નિયામક-પશુપાનલ સાંખ્યીકી નવી દિલ્હી) એ કચ્છના બન્ની વિસ્તારના ગોરેવાલી ગામમાં માલધારીઓ સાથે બન્ની ભેંસ, કાંકરેજ ગાય રાખતા માલઘારીઓની ગણતરી તેમની હાજરીમાં કરી હતી, ત્યારબાદ પચ્છમના તુગા ગામના સમા માલધારીઓની કાંકરેજ ગાયની મુલાકાત, ખડીરના જનાણ ગામના રબારી માલધારીની ઉંટ, બાંભણકા ગામના સોઢા સમુદાયના ઘેંટા-બકરા જેવા પશુધનની મોબાઈલ એપ દ્વારા ગણનરી તેમની રૂબરૂમાં કરાવી હતી. આ દરેક માલધારી પરીવારોને તેઓ જંગલ અને વગડામાં જઈને મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ગાંધીનગરથી આવેલ નાયબ પશુપાનલ નિયામક ડો. ધીરેન્દ્ર કાપડીયા, કાપ કચ્છના નાયબ પશુપાલન નિયામક ડો. આર.ડી. પટેલ, ડો. એન.ટી. નાથાણી, સહજીવનના પ્રોગ્રામ ડાયરેકટર રમેશ ભટ્ટી, જભાર સમા સાથે રહયા હતા.
આ પહેલા ૨૦૧૯ માં ૨૦મી પશુધન ગણના થઇ હતી. જેમાં સમગ્ર ભારતમાંથી ૧૨૫ કરોડ ઘરોની ગણના થઈ હતી, ગણનામાં કુલ ૫૪ કરોડ પશુઓ નોંધાયા હતા. કચ્છમાં ૨૦૧૯ માં ૨૧.૫ લાખ પશુધન હતું. આ ગણનામાં પશુઘનમાં વધારો થવાની સંભાવના છે. કચ્છમાં ચાલી રહેલ પશુધન ગણનાથી સમગ્ર કામગીરી થી કેન્દ્રીય પશુપાલન નિયામકે સરાહના કરી હતી, ઉપરાંત માલારીઓને ગણતરીમાં લેવા માટે સહજીવન સંસ્થાની ભૂમિકા અને તેમની ટીમની કામગીરીની ખાસ નોંધ લીધી હતી, પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સંકલન કરીને સચોટ કામગીરી કરવા સુચવ્યુ હતુ, તેમજ જે જે માલધારી સમુદાયો છે, તેઓ કચ્છમાં કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ પોતાના પશુઓ સાથે સ્થાળાંતર કરતા હોય તેમનો કોઈ પણ પરીવાર અને એક પણ પશુધન ગણતરીમાંથી છુટી ના જાય તેની ખાસ તકેદારી લેવા પશુપાલન વિભાગ-ગુજરાત અને કચ્છની પશુપાનલ ટીમને ખાસ તાકીદ કરી હતી.