ભુજ ખાતે આવેલ મમુઆરામાંથી 2.44 લાખના મુદ્દામાલ સાથે છ ખેલીઓ ઝડપાયા : એક ફરાર
ભુજ ખાતે આવેલ મમુઆરામાં બાવળોની ઝાડીમાં રૂપિયાની રમત કરતાં છ જુગાર પ્રેમીઓને પોલીસે 2.44 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.જ્યારે એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મમુઆરા ગામ નજીક આવેલ ટ્વેન્ટી માઇક્રોન લિ. કંપનીની બાજુમાં આવેલા તળાવના છેલામાં બાવળોની ઝાડીમાં જાહેરમાં આમૂક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. ત્યારે આ સ્થળ પર પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન રોકડ રૂા. 1,33,700, છ મોબાઇલ કિં. રૂા. 25,500 તથા ચાર મોટરસાઇકલ કિં. રૂા. 85,000 એમ કુલે રૂા. 2,44,200નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ હતગત કરી પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.