એક તો ચોરી માથે સીનાજોરી : લાખાપર ગામમાં વીજચોરી ઝડપાતા ગ્રાહકોની દાદાગીરી સામે વીજ ટુકડીને વીજ મીટરો પરત કરવા પડ્યા

copy image

લાખાપર ગામમાં વીજચોરી   કરતા ગ્રાહકોની દાદાગીરી સામે વીજ ટુકડીને વીજ મીટરો પરત કરી દેવા પડ્યા હોવાનું સૂત્રો જણાવી  રહયા છે. ત્યારે આ મામલે માહિતી મળી રહી છે કે, ગત સોમવારે વડોદરા સ્થિત વડી કચેરી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની ટુકડી દ્વારા અંજાર તાલુકાના કોટડા (ચાંદરાણી) ગામમાં વીજચોરી અંગે કડક આસ્ક્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન દસેક ઘરમાં થતી વીજચોરી મામલે કાર્યવાહી કરી તેમના મીટરો ઉતારી લેવામાં આવ્યા હતા અને રૂા. 30 લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો. ઉપરાંત બીજી તરફ અંજારના જ લાખાપર ગામે વીજ ટુકડી ચેકિંગ અર્થે પહોંચી હતી, જ્યાં પણ અનેક સ્થળે વીજચોરી થતી સામે આવતા 15 જેટલા વીજમીટરો ઉતારી લેવામાં આવેલ હતા. પરંતુ આ સમયે ગામના જ મહિલા-પુરુષોનાં ટોળાંએ આ વીજ ચેકિંગ કરતી ટુકડીને ઘેરી લેતાં ટુકડીને વીજમીટરો પરત કરવા પડ્યા હતા. આ ગામમાં અનેક વીજ થાંભલાઓમાંથી ગેરકાયદે વીજ કનેકશન મેળવી વીજચોરીનું કારસ્તાન થતું હોવાનું જણાઈ રહ્યું છે. ઉપરાંત વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ ગામે વીજબિલ આપવા આવતા કર્મચારીઓને ધાકધમકી કરી વપરાયેલા વીજ યુનિટો કરતાં ઓછા યુનિટના બિલો બનાવવા ફરજ પડાતી હોવાનું સામે આવ્યું છે.