ગાંધીધામમાં આવેલ કંડલા ખાતે ડમ્પર-ટ્રકની હડફેટે 27 વર્ષીય બાઈક ચાલકનું મોત
ગાંધીધામમાં આવેલ કંડલા ખાતે પોર્ટની અંદર ડમ્પર-ટ્રકની હડફેટે 27 વર્ષીય બાઈક ચાલક યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અહીંના પ્લોટમાં કોલસાની બોરી ભરવાના કામમાં મજૂરી કામ કરનાર અજિત નામનો યુવાન બાઈક લઈને ચા લેવા ગયેલ હતો. તે દરમ્યાન ટ્રાન્સપોર્ટ પેઢીના કોઈ વાહને બાઈકને હડફેટમાં લેતા આ યુવાન બાઈકથી નીચે પટકાયો હતો. બાદમાં તેમના પર તોતિંગ વાહનના પૈડા ફરી વળતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.