નશાકારક ઇન્જેક્શનના ઓવરડોઝના કારણે કોલેજીયન યુવાનનું મોત
અમદાવાદ ખાતે આવેલો ઇસનપુર વિસ્તારમાં આવેલા ઘોડાસર તળાવ નજીક એક યુવાનનું નશાકારક ઇન્જેક્શનના ઓવરડોઝના કારણે મોત થતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં પોલીસે સહઅપરાધ માનવ વધનો ગુનો નોંધી ઇન્જેક્શન આપનારા એક ખાનગી હોસ્પિટલના મેઇલ નર્સની અટક કરી છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, નારોલ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા પ્રિન્સ શર્મા નામનો કોલેજમાં અભ્યાસ કરે છે. પરંતુ તેને વિચિત્ર પ્રકારના નશાની આદત હતી. ગત શુક્રવારે સવારે રાબેતા મુજબ પ્રિન્સ કોલેજ જવા માટે ઘરેથી નીકળી ગયો હતો. પરંતુ આ યુવાન કોલેજ જવાને બદલે રસ્તામાં ઘોડાસર તળાવ નજીક રહેતા તેના મિત્રને મળવા ગયેલ હતો. તેનો મિત્ર ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલ એક ખાનગી હોસ્પિટલમાં મેઇલ નર્સ તરીકે નોકરી કરે છે અને હોસ્પિટલમાં સર્જરી પહેલાં બેહોશ કરવા માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનોની ચોરી કરી નશાની આદત ધરાવતા લોકોને વેંચવાનું કામ કરતો હતો. આથી ગત શુક્રવારે આ શખ્સે પ્રિન્સને મિડાઝોલમ નામની પ્રવાહી દવાનો 03 એમએલના ડોઝનું ઇન્જેક્શન આપેલ હતું. બાદમાં, ગણતરીની મિનિટોમાં જ પ્રિન્સને મોઢામાંથી ફીણ નીકળવા લગતા તેની સાથે આવેલો તરુણ ગભરાઇ ગયો હતો. થોડીવારમાં હોશ આવી જશે તેમ જણાવી આ યુવાન ત્યાથી ચાલ્યો ગયો હતો. પ્રિન્સની હાલત વધારે બગાડતાં તરુણે તેના અન્ય એક મિત્રને ફોન કરી હતી. ઉપરાંત પ્રિન્સના માતા પિતા પણ ઘોડાસર તળાવે આવી પહોંચ્યા હતા અને તેને તુરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ તે પહેલા જ તેનું મોત નીપજયું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઇન્જેક્શન આપનારા એક ખાનગી હોસ્પિટલના મેઇલ નર્સની અટક કરી આગળની વધુ તપાસ આરંભી છે.