કેરા-કુન્દનપર ગામે બે દિવસીય શૈક્ષણિક મહોત્સવની તડામાર તૈયારી

૧૭/૧૨ ના ભુજ મંદિર મહંત સ્વામીના હસ્તે ઓડિટોરિયમ લોકાર્પણ, ગુરુમંદિર અનાવરણ, નૂતનભૂમિ નામકરણ, ૧૮/૧૨ ના આઈ.ટી.આઈ. ના ૪૦ વર્ષની ઉજવણી

ભુજ તાલુકાના કેરા કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટમાં હાલમાં ૧૩૫૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ૧૫૮ વર્ષ જૂની હાઇસ્કૂલ છે. ૪૦ વર્ષ જૂની આઈ.ટી.આઈ. છે. આ સંકુલમાં નવનિર્મિત શૈક્ષણિક સુવિધાઓ લોકાર્પણનો કાર્યક્રમ તા. ૧૭ અને ૧૮ ડિસે. ના છે, જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જિલ્લાના માધ્યમિક – પ્રાથમિક શિક્ષણાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

ભુજ સ્વામિનારાયણ મંદિરના વર્તમાન મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી અને પૂર્વ મહંત શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી પૂર્વાશ્રમે આ હાઈસ્કૂલના વિદ્યાર્થી રહ્યા હતા. તેની સ્મૃતિમાં ટ્રસ્ટે સ્થાપેલા ગુરુ મંદિરનું અનાવરણ, લાલજી રૂડા પિંડોલીયા ઓડિટોરિયમ, આઈ.ટી.આઈ. ૪૦ વર્ષ, નુતન ભૂમિ લોકાર્પણ અને નામકરણ સહિતના કાર્યક્રમ યોજાનાર છે. બળદિયાથી મુંદરા માર્ગે લાખાફુલાણી ના ઘોડા પાસે આવેલું આ સંકુલ આજુબાજુના ૨૨ ગામોના છાત્રો માટે શૈક્ષણિક આશીર્વાદરૂપ છે. ગુજરાતી-અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાઓ, બાલમંદિરો, વાંચનાલય, સીવણ શાળા અને ૪૦ વર્ષથી અહીં કૌશલ્ય વર્ધન કેન્દ્ર તરીકે આઈ.ટી.આઈ. ચાલી રહી છે. સંસ્થાની વખતોવખતની કમિટીઓએ યથાશક્તિ વિકાસ કરેલ છે, તે પૈકી વર્તમાન યુવા કમિટીએ ઐતિહાસિક છલાંગ લગાવી સુવિધાઓનો અંબાર લગાવી દીધો છે, જેના કારણે લોકો ખુશ છે. તા. ૧૭/૧૨ મંગળવારે સવારે ૯ કલાકે શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી ગુરુમંદિર અનાવરણ સાથે સદવિદ્યા પર્વનું મંગળા ચરણ થનાર છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી સ્વામીના હસ્તે ઓડિટોરિયમ ઉદ્ઘાટન પ્રસંગે નામકરણ દાતા મૂળજીભાઈ પિંડોલીયા પુત્રો કિશોરભાઈ, ભરતભાઈ હાજર રહેશે, સ્ટેજના નામકરણ દાતા ઘનશ્યામભાઈ ટપ્પરિયા, ડિજિટલ શિક્ષણ સહયોગી સામજીભાઈ શીવજી દબાસીયા, દાનવીર ધનજીભાઈ વરસાણી (દરબાર), સહયોગી રવજીભાઈ ગોવિંદ વરસાણી, કે. કે. જેસાણી, ગોપાલભાઈ ગોરસીયા સહિતના ઉપસ્થિત રહેશે. સંસ્થાએ નવી ખરીદેલ અંદાજિત સાડાત્રણ એકર ભૂમિના નામકરણનો કાર્યક્રમ પણ સાંકળી લેવાયો છે. ૧૭/૧૨ ના સાંજના સાડાત્રણ કલાકે કચ્છ ચોવીસીના સાંખ્યયોગી ફઈઓનો રાસોત્સવ જેમાં ચોવીસી મંદિરોના ઠાકોરજીની પધરામણી એક સાથે થનાર છે. રાસોત્સવ ભુજ મંદિરના સાં.યોગી મહંત સામબાઈ ફઈની અધ્યક્ષતામાં યોજાશે જેમાં કર્મયોગી બહેનો અને ભાઈઓ પણ અલાયદા રાસમાં ભાગ લઈ શકશે. આ રાસોત્સવનું નામ ધર્મજીવન રાસોત્સવ રખાયું છે. બંન્ને દિવસ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.એમ. વાઘેલા, કચેરીના અધિકારી હાજર રહેશે.

તા. ૧૮/૧૨, બુધવાર સવારે ૯ કલાકે આઈ.ટી.આઈના ૪૦ વર્ષનો “માણેક મહોત્સવ” જેમાં સંસ્થાના તમામ વિભાગોના પૂર્વ શિક્ષકો-વિદ્યાર્થીઓનું મિલન યોજાશે, જેમાં તમામ પૂર્વ છાત્ર-શિક્ષકોને, આચાર્યોને પધારવા સંસ્થાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે. સાંજે ૩.૩૦ થી રંગારંગ કાર્યક્રમ યોજાશે. બંન્ને દિવસનું જીવંત પ્રસારણ માતૃછાયા કેબલ પરથી કરાશે. સમગ્ર આયોજન સંસ્થાની સમગ્ર કમિટી, ટ્રસ્ટ પરિવાર, તમામ ગ્રામજનો, શુભેચ્છકો, દાતાઓ, સંતો, સાંખ્યયોગી બહેનો, પૂર્વ છાત્ર-ટ્રસ્ટીઓ, શિક્ષકો-આચાર્યો સાથે મળીને કરી રહ્યા હોવાનું ટ્રસ્ટના મંત્રી વસંત પટેલની એક યાદીમાં જણાવાયું હતું. છેલ્લા બે વર્ષમાં થયેલા ઐતિહાસિક નિર્માણ-વિસ્તાર તેમજ શૈક્ષણિક ગુણવત્તાના ઉર્ધ્વીકરણ માટે સહયોગી સૌને યશાધિકારી ગણાવવાળા તમામ દાતાઓના વિશે સન્માન કરાશે. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

કેરા-કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્મૃતિ સમિતિ, કેરા-કુન્દનપર, બળદિયા, નારણપર, દહીંસરા, સુરજપર ગામો નિમંત્રક છે. બંન્ને દિવસ બપોરે ભોજન છે. ધાર્મિક, સામાજિક, રાજકીય સહિતની સંસ્થાઓ, આગેવાનોને નિમંત્રણ અપાયા છે. હાઈસ્કૂલ ૧૫૮ વર્ષ જૂની હોઈ તે સંલગ્ન વર્તુળોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. સમગ્ર પરિસરને શણગારાયું છે. રામાણિયાથી તુંબડી, ગજોડ, કેરા, સેડાતાથી વડઝર, ઝુમખા, ચુનડી, ગોળપર સહિતના ગામોમાં રથ દ્વારા આમંત્રણ અપાઈ રહ્યા છે. સંસ્થા સાથે તન મન ધનથી સંકળાયેલા સૌને પધારવા અપીલ કરાઈ છે. સમગ્ર ઉજવણીને ચોવીસીના શિક્ષણ પ્રેમી દાનવીર ધનજીભાઈ કરસન વરસાણી ‘દરબાર’ એ વિશેષ બળ પૂરું પાડ્યું છે. બે દિવસીય ઉજવણી ન માત્ર શૈક્ષણિક પરંતુ સંસ્થાના ઇતિહાસની મજબૂતી આપશે.