ચરવા ગયેલ વિસ્ફોટક પદાર્થ આરોગતાં ગાયનાં મોઢામાં ધડાકો થતાં ગૌમાતા ગંભીર રીતે ઘાયલ : બનાવને પગલે જીવદયાપ્રેમીઓમાં રોષનો માહોલ
માતાના મઢ ખાતે આવેલા સેંસરપીર તળાવ નજીક ગાયે વિસ્ફોટક પદાર્થ આરોગતાં ગાયનાં મોઢામાં ધડાકો થઈ ગયો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ રાત પડતાની સાથે જ શિકારીઓની ટોળકીઓ વન્યજીવોનો શિકાર કરે છે, તેવા અનેક દાખલા વન વિભાગ તેમજ પોલીસ મથકે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે ઘઉંના લોટમાં વિસ્ફોટક પદાર્થથી બનાવેલા, દળાકાર બોમ્બથી માતાના મઢમાં ગાયને રક્તરંજિત કરી દેવાઈ છે. આ બનાવને પગલે જીવદયાપ્રેમીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ માલધારીની આ ગાય સેંસર તળાવવાળા વિસ્તારમાં ચરવા ગઇ હતી, તે દરમ્યાન આ વિસ્ફોટક પદાર્થને આરોગતાં મોઢામાં ધડાકો થયો હતો, તેથી ગૌમાતા ગંભીર રીતે ઘાયલ બની છે. બનાવને પગલે ગાયને સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવી હતી.વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ અંગે દયાપર પોલીસ મથકે પશુપાલક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી.