મોખાણા નજીક ટ્રેઈલરની હડફેટે બાઇક ચાલકનું મોત
ભુજ ખાતે આવેલ મોખાણા નજીક ટ્રેઈલરની હડફેટે 30 વર્ષીય યુવાન બાઇક ચાલકનું મોત નીપજયું હોવાનો કિસ્સો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના મોડસરનો 30 વર્ષીય યુવાન રમેશ રવાભાઈ ગાગલ પોતાની બાઈક લઈને ધાણેટી જવા નીકળ્યો હતો, તે દરમ્યાન બપોરના સમયે કનૈયાબેથી ડગાળા- મોખાણા જતા માર્ગ પર સામેથી આવતા ટ્રેઈલરના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના પગલે આ યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પદ્ધર પોલીસ મથકે ટ્રેઈલરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.