ગાંધીધામમાં ભારતનગરની મુખ્ય બજારમાં આવેલી કરિયાણાની દુકાનનાં ગોદામમાં તસ્કરોએ ખાતર પાડ્યું
ગાંધીધામ શહેરમાં આવેલ ભારતનગરની મુખ્ય બજારમાં આવેલી કરિયાણાની દુકાનનાં ગોદામમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. જાણવા મળી રહ્યું છે અહીથી નિશાચરો રૂા. 20,480ના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સૂત્રો દ્વારા પ્રાત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા મેઘપર (બોરીચી)નાં પુરુષોત્તમ નગરમાં રહેનાર આશિષ ડાયા ઠક્કર છેલ્લાં 24 વર્ષથી ગાંધીધામનાં ભારતનગરમાં શિવમ પ્રોવિઝન જનરલ સ્ટોર નામની દુકાન ચલાવે છે. આ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત તા. 13/12ના રાત્રે 10 વાગ્યે પોતાની દુકાન બંધ કરી ઘરે ગયેલ હતા. બાદમાં ગત દિવસે વહેલી સવારે દુકાન ખોલતાં દુકાનની બાજુમાં જ આવેલાં ગોદામનાં તાળાં જોવા મળ્યા ન હતા. બાદમાં ગોદામમાં તપાસ કરવામાં આવતા ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. ચોર ઈશમો આ ગોદામમાંથી 30 કિલોના ચોખાના નવ કટ્ટા, ચણા દાળનો એક કટ્ટો તથા તિરુપતિ કપાસિયા તેલના પાંચ લીટરના બે કેન એમ કુલ રૂા. 20,480ના સામાનની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા.ત્યારે આ બનાવને પગલે ઠંડીમાં નિશાચરો પેટ્રોલિંગ કરી રહ્યા છે, પણ પોલીસ ક્યારે કરશે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.