દહેગામની દુકાનમાં ઘડિયાળની આડમાં થતાં ગાંજાના વેચાણનો થયો પર્દાફાશ
ગાંધીનગર ખાતે આવેલ દહેગામમાં ઘડિયાળની દુકાનમાં થતું ગાંજાનું વેચાણ ગાંધીનગર એસઓજી ટીમે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીનગર એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, દહેગામ ખાતે આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસે અશોક વોચ કંપની નામની દુકાનમાં કાર્યવાહી હાથ ધરી હતી જેમાં અહી વેપાર કરતાં બે સગા ભાઈઓ ઘડિયાળના વેપાર સાથે ગાંજાનો જથ્થો રાખતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ દુકાનમાં પાછળના ભાગ નાના રૂમમાં મીણિયાની કોથળીમાં લીલાશ પડતા ભૂખરા રંગનો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવેલ હતો. જેની તપાસ કરતાં ગાંજો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે 896 ગ્રામ ગાંજા સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.