ટંકારામાં પાણી પુરવઠાના પડતર ક્વાર્ટરમાંથી ૪૬૫ દારૂની બોટલ નીકળી પડી : આરોપી ફરાર
સૂત્રો જણાવી રહ્યા છે ટંકારામાં પાણી પુરવઠાના પડતર ક્વાર્ટરમાંથી ૪૬૫ દારૂની બોટલ પોલીસે ઝડપી પાડી છે. ટંકારા તાલુકાના બંગાવડી ડેમની નજીક આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂની ૪૬૫ બોટલનો જથ્થો કબ્જે કરાયો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બંગાવડીમાં રહેતા આરોપી શખ્સે બંગાવડી ડેમની નજીક આવેલ પાણી પુરવઠાના જુના ક્વાર્ટરમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૬૫ કીમત રૂ ૨,૬૦,૮૬૫ નો જથ્થો કબ્જે કરવામાં આવેલ છે.આ ગુના કામેનો આરોપી ઈશમ નાસે છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.