હળવદ ખાતે આવેલ જુના દેવળિયા નજીક બંધ ડમ્પરમાં ટ્રેઇલર અથડાતાં સર્જાયો અકસ્માત : ટ્રેલર ચાલકનું મોત
હળવદ ખાતે આવેલ જુના દેવળિયા નજીક બંધ ડમ્પરમાં ટ્રેઇલર અથડાતાં ટ્રેલર ચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે હળવદ પોલીસ મથકે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર મોરબી-અમદાવાદ હાઈવે પર જુના દેવળિયા ગામ નજીક અકસ્માત સર્જાય તેવી ભયજનક રીતે પાર્ક કરેલ હતું ઉપરાંત પાર્કિંગ લાઈટ પણ ચાલુ રાખેલ ન હતી. જેથી હતભાગી ચાલક ગાંધીધામ સાંઈકૃપા ફેટ કેરિયર ટ્રાન્સપોર્ટનું ટ્રેલર લઈ જઈ રહ્યા હતા તે સમયે બંધ ડમ્પર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે ટ્રેલર ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.