પાણી, સિંચાઈ, શિક્ષણ, સફાઇ, દબાણ તેમજ રસ્તા સહિતના મુદાઓ પર ધારાસભ્યોશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સંકલન બેઠકમાં સમીક્ષા કરાઈ

કચ્છ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ભુજના સભાખંડ ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ધારાસભ્યોશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ દ્વારા પાણી, સિંચાઈ, રસ્તા, ખનીજચોરી તથા શિક્ષણ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી કલેકટરશ્રી દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી.

ધારાસભ્યશ્રી અબડાસા પ્રદ્યુમ્નસિંહ જાડેજા દ્વારા ખેડૂતોને પાકનુકશાની વળતર, ઢોરા-હાજીપીર રોડનું કામ, ખનીજલીઝ નિયમન, ખાનગી કંપની દ્વારા ગેરકાયદે પાળા બનાવાતા નજીકના ગામમાં પાણી ભરાવવાની સમસ્યા દૂર કરવા, પાણીની લાઇનના ભંગાણના કારણે સર્જાતી સમસ્યા, નર્મદાના પાણીનો અપૂરતો પુરવઠો, સ્થાનિક કંપનીઓમાં રોજગારી આપવા, સિંચાઇ વિભાગ હસ્તક પાણીના સ્ત્રોતના નવા કામ તથા સમારકામના પ્રશ્નો, ખેડૂતોને વૃક્ષોના ઉછેર માટે લીઝ પર જમીન ફાળવવા બાબત, કોઠારા-માનપુરા પુલ તથા રસ્તાના કામ, કસ્તુરબા ગાંધી વિદ્યાલયના કામની પ્રગતિ, ભારે વાહનોમાં નિતિનિયમોનું પાલન કરાવવા સબબ સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા.

બેઠકમાં ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ દ્વારા બન્નીના ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન, હાજીપીર ભીરંડીયારામાં ૬૬ કે.વી સબસ્ટેશન, બન્ની સેટલમેન્ટ સંદર્ભના મુદા, ખાવડા બાયપાસ રોડનું અલાઇમેન્ટ, નાના-મધ્યમ ડેમના રીપેરીંગ, ભુજ તાલુકાના નથ્થરકુઇ, વ્યારા, વિંછીયામાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા સહિતની રજૂઆત કરાઇ હતી.
બેઠકમાં અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગા દ્વારા એલસી-૫ અને એલસી૪ લીલાશાહ ફાટક રેલવે અન્ડર બ્રીજ કામની પ્રગતિ, અંજાર બાયપાસ રોડ, કેરા, બળદિયા તથા ભારાપર બાયપાસ રોડ, ચેકડેમ અને તળાવના કામ, પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ, વરસાણા-ધર્મશાળા નેશનલ હાઇવે પર ટોલબુથની કાયદેસરતા સહિતની રજૂઆત કરાઇ હતી. આ સાથે તેમણે છેલ્લા બે વર્ષમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અન્વયે જિલ્લામાં થયેલી ઉત્તમ કામગીરીને બિરદાવી હતી. બેઠકમાં માંડવી ધારાસભ્યશ્રી અનિરુધ્ધભાઇ દવેએ ફાચરીયા, બગડા, કુંદરોડી તથા છસરા ગામની સંયુક્ત પાણી પુરવઠા યોજનાનું કામ શરૂ કરવા, ફાચરીયાની પ્રમોલગેશન ક્ષતિઓનો પ્રશ્ન હલ કરવા, અકુદરતી રીતે ફળો પકવનારાઓ સામે કાર્યવાહી કરવા, માંડવી બીચ પર બિનજોખમી વોટર એક્ટીવીટીની સમીક્ષા કરી તેને મંજૂરી આપવા, જાહેરમાર્ગ પર નોનવેજના વેચાણ સામે કડક પગલા ભરવા, માંડવી બાયપાસની કામગીરી તથા માંડવી તાલુકામાં આર.ઓ પ્લાન્ટની પાઇનલાઇનમાં પાથરવામાં ખેડૂતોને યોગ્ય વળતર આપવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ બન્ની જૂથ પાણી પુરવઠા યોજનામાં અધુરાશ, ખાનગી કંપની દ્વારા જાહેર માર્ગ બંધ કરવા સહિતની રજૂઆત કરીને તેને તત્કાલ ખુલ્લા કરાવવા રજૂઆત કરી હતી.
સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરીએ લાભાર્થીને સનદ મળ્યા બાદ પ્લોટનો કબ્જો ન મળવવા બાબત, પોલડીયામાં વરસાદી નુકશાનની ખેડૂતને સહાય ચૂકવવા, ભુજમાં સફાઇ તથા જાહેર માર્ગના દબાણ દુર કરી રસ્તા પહોળા કરવા, રઘુવંશી ચોકડીથી કોડકી રોડ રસ્તાનું કામ કરવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સૂંડા, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પારેખ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને વિવિધ કચેરીઓના વડા ઉપસ્થિત રહ્યા હતાં.