વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને સ્વામિત્વ યોજના અંતર્ગત કચ્છમાં પ્રોપર્ટી કાર્ડ ઈ-વિતરણ કાર્યક્રમ યોજાશે

copy image

        વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ૨૭મી ડિસેમ્બરના રોજ દેશભરમાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ ઈ-વિતરણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જે અન્વયે કચ્છનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ભુજ ખાતે સ્મૃતિવન ઓડીટોરિયમમાં સવારે ૧૧.૦૦ કલાકે યોજાશે. આ ઉપરાંત, કચ્છના નખત્રાણા અને અબડાસા તાલુકાના ૧૫ જેટલા ગામોમાં સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ ઈ-વિતરણ કાર્યક્રમ યોજાશે.

        વડાપ્રધાનશ્રીના હસ્તે દેશના લગભગ ૪૬,૦૦૦થી વધુ ગામોમાં ૫૦ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ કરવામાં આવશે. સાથે જવડાપ્રધાનશ્રી દેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને સાથે સંવાદ પણ કરશે.

        અત્રે ઉલ્લેખનીય છે કેવડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતના તમામ ગામડાઓના નાગરિકોને તેમની મિલકતો પરનો કાયદેસર હક સુનિશ્ચિત થાય તે હેતુથી સમગ્ર દેશમાં સ્વામિત્વ યોજના ( SVAMITVA -Survey of Villages  and Mapping with Improvised Technology in Village Areas) અમલમાં મુકવામાં આવી છે. સ્વામિત્વ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧થી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને તેમના રહેણાંકની મિલકતના અધિકાર આપતો પુરાવો એટલે કે પ્રોપર્ટીકાર્ડ બનાવવા માટે ઝડપી અને પારદર્શક રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં બીજા તબક્કાના રાજ્યોમાં પ્રથમ નંબરે છે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતીકાત્મક રીતે કેટલાક લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ અપાશે. સમાંતરે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત કુલ ૭૨૧ ગામોમાં ૧,૨૦,૦૦૦ પ્રોપર્ટીકાર્ડનું વિતરણ કરવામાં આવશે.

        અત્રે ઉલ્લેખનીય છે કેસ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના કુલ ૩૩ જિલ્લાના ૧૩,૭૧૪ ગામોમાં ડ્રોન દ્વારા માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છેજે પૈકીના ૬,૮૫૯ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી કુલ ૧૧,૮૩,૬૦૬ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.