આણંદ ખાતે આવેલ તારાપુરમાંથી 17 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ચાર શખ્સ ઝડપાયા : 50 લાખ રૂપિયાનું રોકાણ કરી 1 કરોડની નકલી નોટો ખરીદી લોકોને પધરાવવાનું હતું ષડયંત્ર

copy image

આણંદ ખાતે આવેલ તારાપુર ચોકડી પરથી 17 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સોજિત્રા તરફથી આવતી એક કારમાં બનાવટી ચલણી નોટોના મોટા જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળી કાર આવતા તેની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન ખાખી રંગનું એક બોક્સ આવેલ હતું. જેમાં રુપિયા 500ના દરની નોટના 34 બંડલ મળી આવ્યા હતા જેની ગણતરી કરતાં કુલ 17 લાખની નોટ આ કારમાંથી નીકળી પડી હતી. આ નોટ પર ધ્યાનપૂર્વક જોતા ‘ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા’ લખેલું જોવા મળ્યું હતું. આ કેસની વધુ છાનબીન કરતાં આરોપીઓએ 50 લાખ રૂપિયાનું રોકાણ કરી 1 કરોડની નકલી નોટો ખરીદી લોકોને પધરાવવાનો ષડયંત્ર બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. વધુમાં જણાઈ રહ્યું છે કે આ ગુનામાં સંડોવાયેલ સાત શખ્સોમાંથી ચાર ઈશમોની અટક કરવામાં આવેલ છે. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.