અંજારમાં એક વૃદ્ધ સાથે 36.50 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
copy image

અંજારમાં એક વૃદ્ધ સાથે 36.50 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના લાયન્સ કલબની બાજુમાં બિલેશ્વર નગરમાં રહેતા શાંતિલાલ શિવજી રાઠોડ દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે જે અનુસાર ફરિયાદીને ગત તા. 30-11ના વ્હોટસએપ પર દિલ્હી પોલીસ વિભાગવાળો મેસેજ આવેલ હતો. જે બાદમાં ઠગબાજે વીડિયો કોલ કરી પાછળ દિલ્હી પોલીસના શિલ્ડ લગાડી પોલીસ હોવાનું જણાવાયું હતું. આ શખ્સે તમારા વિરુદ્ધ મની લોન્ડરીંગ, ડ્રગ્સને કેસ થયો છે તેમ કહી વૃધ્ધને ડરાવ્યા હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે કેટલાક દિવસ સુધી વૃદ્ધ દંપતિને ભયમાં રાખી ઠગબાજોએ તમારા બેંક ખાતામાં કેટલા રૂપિયા પડયા છે તેમ પૂછતાં ફરિયાદીએ ફલેટ વેંચ્યો છે તેના રૂા 36,50,000 હોવાનું સ્વીકાર્યું હતું. ઠગબાજોએ આ પૈસા મોકલાવો જેથી અમને વિશ્વાસ આવે કે તે પૈસા મની લોન્ડરીંગના છે કે નહિં જેથી આ વૃદ્ધ દંપતિ તરત બેંકમાં જઇ આર.ટી.જી.એસ. કરી આ બેંક ખાતાઓમાં રૂા. 36,50,000 મોકલાવી આપેલ હતા. બાદમાં આ ઠગબાજોએ સરખો જવાબ ન આપતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા આ વૃદ્ધે આરોપી ઈશમો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ હતી. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.