આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ કચ્છના બે મહિલા આરોગ્ય કર્મચારીઓનું રાજ્યકક્ષાએ સન્માન કરાયું

ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદમાં કચ્છના રાપર તાલુકાના ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફતેહગઢ આયુષ્માન આરોગ્ય મંદિર-ર માં ફરજ બજાવતા એન.એન.એમ સુશ્રી લેઉવા પાયલબેન ભીખાભાઈ અને અંજાર તાલુકાના મેઘપર બોરીચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા આઠ વર્ષથી આશા તરીકે સેવાઓ આપતા શ્રીમતી શાંતાબેન દિપકભાઈ ચારણનું સન્માન કરવામાં આવ્યું હતું.

ફતેહગઢ આયુષ્માન આરોગ્ય મંદિર-ર માં ફરજ બજાવતા એન.એન.એમ સુશ્રી લેઉવા પાયલબેન ભીખાભાઈની વિશિષ્ટ કામગીરી જેવી કે, કોવિડ વેક્સિન, અતિજોખમી સર્ગભા માતાઓના સતત સંપર્કમાં રહી તેમની પ્રસૂતિ નિર્વિઘ્ને થઈ જાય ત્યાં સુધી આરોગ્ય સેવાઓ આપી છે. પાયલબેને પોતાના વિસ્તારની તમામ સર્ગભા અને ધાત્રી માતાનાં બે વોટ્સએપ ગ્રૂપ બનાવેલી છે. જેમાં સરકારની આરોગ્યને લગતી તમામ યોજનાની માહિતી ગ્રુપ દ્વારા પુરી પાડવામાં આવે છે. તેઓએ મમતા દિવસ અને ગૌરવી દિવસની ૧૦૦% કામગીરી કરેલ છે. નિયમિત રસીકરણની સેવાઓ સાથે શાળાઓમાં જઈ આર્યન અને કૃમીની ટેબલેટ તેમજ ટીડી રસીકરણની શ્રેષ્ઠ કામગીરી કરી છે. 

અંજાર તાલુકાના મેઘપર બોરીચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા આઠ વર્ષથી આશા તરીકે સેવાઓ આપતા શ્રીમતી શાંતાબેન દિપકભાઈ ચારણ દ્વારા તેમના વિસ્તારની શ્રમિક વર્ગ તેમજ અન્ય તમામ વર્ગોની સર્ગભા બહેનોને તેમની સગર્ભા અવસ્થામાં આરોગ્ય વિભાગની તમામ સેવાઓ અને જરૂરી પરિક્ષણો કરાવી તેમની પ્રસૂતિ સામાન્ય રીતે થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. શાંતાબેન એ પોતાના વિસ્તારમાં માતા મરણ કે બાળ મરણને લગતા અટકાયતી પગલાઓ વગેરે બાબતોમાં વિશિષ્ટ કામગીરી કરી છે.

આ બંને મહિલા આરોગ્ય કર્મીઓની વિશિષ્ટ કામગીરીની નોંધ લઈને આરોગ્ય ક્ષેત્રે બજાવેલ ફરજ ઉપરાંત ઉત્તમ કામગીરી કરવા બદલ ગાંધીનગર ખાતે રાષ્ટ્રિય સ્વાસ્થ્ય મિશનના મિશન ડિરેક્ટર શ્રીમતી રેમ્યા મોહનના વરદ હસ્તે રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મિતેશ ભંડેરી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના આરોગ્ય ક્ષેત્રે બાળ મરણ અને માતૃમરણ અટકાવવાના પ્રયાસોમાં બંને  કર્મીઓએ શ્રેષ્ઠ યોગદાન આપેલ છે. બંને મહિલાકર્મીઓ દ્વારા આપવામાં આવેલી ઉત્કૃષ્ટ સેવાઓ તમામ આરોગ્ય કર્મીઓ માટે પ્રેરણાના સ્ત્રોત બની છે. રાજ્યકક્ષાનું સન્માન પ્રાપ્ત કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મિતેશ ભંડેરીએ બંને મહિલા આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.‌

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-