બારડોલી તાલુકાના ભેંસુદલા ગામે નિવૃત્ત શિક્ષકના બંધ ઘરના તાળા તોડી તસ્કરો ૩૫ તોલા સોનાના ઘરેણાં, ૩૦ ગ્રામ ચાંદી અને રોકડા રૂ.૪,૦૦૦ મળી કુલ રૂ.૩.૫૯ ની મત્તા તસ્કરી ગયા હતા. નિવૃત્ત શિક્ષક ઘરને તાળું મારી પત્ની સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલના આસીસ્ટન્ટ પ્રોફેસર એવી દિકરીના ઘરે રહેવા માટે ગયા હતાં. ભેંસુદલા ગામે નિશાળ ફળિયામાં ભરતભાઈ બાબુભાઈ ચૌધરી પત્ની જશુબેન અને દિકરી કુંજન સહિત પરિવાર સાથે રહે છે. અને નિવૃત્ત શિક્ષક તરીકેનું જીવન જીવે છે. દિકરી કુંજનબેન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. અને સ્ટાફ કવાર્ટસમાં રહે છે. ભરતભાઈ ચૌધરી ભેંસુદલા ગામે ઘરને તાળું મારી પત્ની સાથે સુરત નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાર્ટસમાં દિકરી સાથે રહેવા ગયા હતાં. બાદમાં સવારના અરસામાં ફળિયાના કૌશીક ચૌધરીએ જશુબેનને ફોન કરીને જણાવ્યું કે, તમારા ઘરના દરવાજાનું તાળું તુટેલ છે. ઘરમાં બધા કબાટ ખુલ્લા છે અને સામાન વેરવિખેર પડેલો છે. જેથી ભરતભાઈ સુરતથી ભેંસુદલા દોડી આવી પોલીસને જાણ કરી હતી. ઘરનું તાળું તોડી તસ્કરો કબાટ પણ કોઈ સાધનથી તોડી સામાન વેરવિખેર કરી ચાર સોનાની બંગડી, બે સોનાના મંગળસુત્ર, સોનાની ચેઈન, પાંચ જાડી કાનની બુટ્ટી, ચાર સોનાની વીંટી, નાની છોકરીના હાથમાના નાના સોનાના કડા, સોનાનું બ્રેસલેટ મળી કુલ ૩૫ તોલા સોનાના ઘરેણાં કિંમત રૂ.૩,૫૦,૦૦૦, ૩૦ ગ્રામ ચાંદીના ઘરેણા રૂ. ૫,૬૦૦ અને રોકડા રૂ.૪,૦૦૦ મળી કુલ રૂ.૩,૫૯,૬૦૦ ની મત્તા તસ્કરી ગયા હતાં. બનાવ અંગે ભરતભાઈએ બારડોલી પોલીસમાં તસ્કરીની ફરિયાદ લખાવતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.