ડૉ. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં કચ્છમાં ૧૩ યુગલોઓને રૂ.૪૮ લાખથી વધુનો યોજનાકીય લાભ અપાયો
ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ, આર્થિક કલ્યાણ અને તેમના વિકાસને કેન્દ્રમાં રાખી પછાત જાતિઓનાં કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે. જેમાં શિક્ષણ, આર્થિક ઉત્કર્ષ, આરોગ્ય, આવાસન તથા અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે. જેમાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ડૉ. સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના વિશે જાણીએ. આ યોજનાનો મુખ્ય ઉદેશ અનુસૂચિત જાતિની વ્યક્તિ અને અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યકિતઓ વચ્ચેના લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરી સામાજિક સમરસતા લાવવાનો છે. આ યોજના હેઠળ કચ્છ જિલ્લામાંઆંતરજ્ઞાતિય લગ્ન કરનાર ૧૩ યુગલોને રૂા. ૪૮ લાખની સહાય આપવામાં આવી છે.
આ યોજનામાં કોઇ આવક મર્યાદા નથી. જયારે આ યોજનાના લાભ માટે આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલમાંથી ગમે તે એક અનુસૂચિત જાતિના હોવા જોઈએ. યુવક અને યુવતી નિયત વયમર્યાદા ધરાવતા હોવા જોઇએ. આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઇ એક વ્યક્તિ ગુજરાતની મૂળ વતની હોવી જોઇએ. આવા લગ્નની નોંધણી કરાવવી જરૂરી છે. લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે. આંતરજ્ઞાતિય લગ્ન કરનારા પરપ્રાંતની વ્યક્તિના મા બાપ ગુજરાત રાજ્યમાં ૫ વર્ષ વસવાટ કરતા હોવા જોઇએ.
સામાજિક સમરસતાને ધ્યાનમાં રાખી અનુસૂચિત જાતિના લગ્નવાંચ્છુક યુવક કે યુવતી અન્ય જ્ઞાતિના યુવક-યુવતી સાથે લગ્ન કરે તો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. રૂા.૧,૫૦,૦૦૦ ઘરવખરી માટે રૂા.૧,૦૦,૦૦૦ રાષ્ટ્રીય બચતપત્રો સંયુક્ત નામે આમ કુલ રૂા.૨,૫૦,૦૦૦ કુલ સહાય આપવામાં આવે છે.
આ યોજના માટે અરજી કરવા માટે લાભાર્થી : https://esamajkalyan.gujarat.gov.in/’ એટલે કે ઇ-સમાજ કલ્યાણ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજી કરવા સમયે અરજદારે પુરાવા તરીકે અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો), અરજદારના પહેલા પતિ/પત્નીનો મરણનો દાખલો. (લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો), યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ (લગ્ન સમયે યુવક/યુવતી પરણિત હોય તો), મરણનો દાખલો (લગ્ન સમયે યુવક/યુવતી વિધુર/વિધવા હોય તો), અરજદારનું આધારકાર્ડ, અરજદારની જાતિનું પ્રમાણપત્ર, અરજદારનો શાળા છોડયાનો દાખલો, યુવક/યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર, યુવક/યુવતીનો શાળા છોડયાનો દાખલો, રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચૂંટણી કાર્ડ/રેશનકાર્ડ પૈકી કોઇ પણ એક), લગ્ન નોંધણીનું પ્રમાણ પત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ/રદ કરેલ ચેક (અરજદારના નામનું) અને એકરારનામું રજૂ કરવાનું રહેશે.
આ યોજના માટે વધુ જાણકારી માટે જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરવો.