હાઇકોર્ટ, ED કે CBI કોઈ કાર્યવાહી ના કરે…રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની વધુ એક મોટી રાહત

આવક કરતાં વધુ મિલકતના કેસમાં સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે અલ્લાહાબાદ હાઈકોર્ટને નિર્દેશ આપ્યા છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલી કાર્યવાહીને આગળ ન વધારવામાં આવે. આ સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓને પણ રાહુલ ગાંધી સામે હાઈકોર્ટમાં કોઈ રિપોર્ટ દાખલ ન કરવા આદેશ આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે રાહુલ ગાંધી તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલો સાંભળી હતી. દલીલો ધ્યાને લીધા બાદ સુપ્રીમ કોર્ટે સીબીઆઈ, ઈડી અને અલ્લાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરનાર કર્ણાટકના નિવાસી એસ. વિગ્નેશ શિશિરને નોટિસ જારી કરી છે. આ અગાઉ અલ્લાહાબાદ હાઈકોર્ટે ઈડી અને સીબીઆઈને કર્ણાટકના ભાજપ કાર્યકર એસ. વિગ્નેશ શિશિર દ્વારા રાહુલ ગાંધી પર લગાવાયેલા આવક કરતાં વધુ મિલકતના આક્ષેપોની તપાસ કરવા અને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશ બાદ તપાસ એજન્સીઓએ પોતાની કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના તાજેતરના સ્ટે આદેશ બાદ હવે ઈડી કે સીબીઆઈ રાહુલ ગાંધી વિરુદ્ધ હાઈકોર્ટમાં તપાસ પ્રગતિનો કોઈ રિપોર્ટ સબમિટ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કાનૂની મોરચે મોટો વિજય થયો છે.