સુખપર ખાતે આવેલ મદનપુરમાં ઉભરાતી ગટર સમસ્યાના કાયમી ઉકેલ માટે કલેકટર સાહેબ સમક્ષ રજૂઆત કરાઈ


જય ભારત સાથે સવિનય જણાવવાનું કે મદનપુરના શિવપાસ્સ રોડ ઉપર આવેલ રિધ્ધીસિધ્ધીનગર, વિશાલનગરના સી રહેવાસીઓ અને આ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાના અઢીસોથી વધુ બાળકો અને સૌ શિક્ષકો વતી રજુઆત છે કે અમો છેલ્લાં પંદર વર્ષથી વધુ સમયથી આ વિસ્તારની ગટરના પાઈપ ઠેરઠેર બ્લોક થઈ જવાથી ગંદું પાણી ઉભરાવાની સમસ્યાથી પીડાઈએ છીએ અને કાયમ ઊભરાતી ગટરની જ્યારે ચેમ્બરો પણ ભરાઈ જાય છે ત્યારે એ ગંદકી ક્યારેક તો ઘરનાં સંડાસ બાથરુમ માંથી પરત ઘરમાં આવે છે અને આ વિસ્તારની શેરીઓમાં પણ કાયમ ગટરના પાણી ભરાયેલ રહેતા હોવાથી પુષ્કળ ગંદકી અને અસંખ્ય રોગજન્ય મચ્છરોનો પણ કાયમ ત્રાસ રહે છે.
અહીંના નગર વાસીઓ દ્વારા ગ્રામ પંચાયતથી લઈને ઉપર મુખ્યમંત્રી સુધી દરેક સ્તરે વર્ષોથી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિક લોકો અને અહીં જ રહેતા એડવોકેટ મિત્ર જીતેન્દ્ર પુરોહિત દ્વારા અસંખ્ય વાર લેખિત અને મૌખિક રજુઆતો કરેલ છે તે અરજીઓની ફાઈલ ભરી પડી છે. છતાંય પંચાયત દ્વારા અત્યાર સુધી માત્ર ઉપરછલ્લી સફાઈ કરીને થીગડાં મારવાનું જ કામ થયેલ છે અને અમો સ્થાનિક રહેવાસીઓ પણ અનેકવાર અમારા પોતાના ખર્ચે સફાઈ માટેના માણસો અને સાધનો રાખીને અને કેટલીયેવાર તો જાતે ગટરની ચેમ્બરની ગંદકીમાં ઉતરીને અમારાં સ્વાસ્થ્ય જોખમાવાના ભોગે ગટરના કાદવમાં રગદોડાઈને સફાઈનું કામ કરતા રહ્યા છીએ તેનાંથી પંચાયતની છેલ્લી ત્રણ ટર્મના સૌ સભ્યો, સરપંચ, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના સદસ્યો સહિત સૌ કોઈ વાકેફ છે છતાં આ વિષયે કોઈ જ કાયમી નિરાકરણ ન આવતાં પંચાયતથી લઈને સંસદ સુધીની દરેક ચુંટણીમાં અમારો ભરપુર દુરુપયોગ થયો હોવાની લાગણી અનુભવી રહ્યા છીએ.
અગાઉ આ ગટરનું પાણી ખુલ્લાં નાળા માં વહીને નીકળી જતું પણ હવે બધી જગ્યાએ પાઈપ અને ચેમ્બરો બ્લોક થઈ જવાથી ઘણા મહિનાઓથી સ્થાનિક રહેઠાણો અને શાળાની બાજુમાં જ આવેલ ખુલ્લા પ્લોટોમાં આ ગંદકી ભરાતી હોવાથી હવે રાત દિવસ ભયંકર દુર્ગંધની નવી સમસ્યા સાથે કાયમ વહેતી ગટરની ગંદકી અને એમાં ઉભરાતાં મચ્છરોથી શાળાના અઢીસો બાળકો સહિત સમગ્ર વસ્તી ગમે ત્યારે ગંભીર બિમારીમાં સપડાઈ શકે છે તેની ગંભીરતાને કેમ કોઈ સમજતું નથી એ અમારી સમજ બહારની વાત છે.
જ્યારે બજારો ગંદકીથી ઉભરાય છે ત્યારે શાળાના ગણવેશ સાથે છોકરાઓ દરરોજ શાળાએ જાય કે પરત આવે અથવા રમવા માટે ઘરથી બહાર નીકળે ત્યારે ચોવીસે કલાક ખુલ્લા રહેતાં ઢાંકણાં અને વહેતી ગટરથી બચવા રીતસર લંગડી રમતા હોય તેમ ઠેકડા મારતાં જવું અને ગંદા ખાબોચીયાં કે ગટરની ખુલ્લી ચેમ્બરમાં પડી ન જાય તેનું ધ્યાન રાખવાનું તો જાણે હવે કાયમી બની ગયું છે એવામાં વૃધ્ધોની હાલત શું થતી હશે તેની જવાબદાર કોઈને ચિંતા નથી.
અહીંની બજારોના સાવ કાચા રસ્તાઓને કારપણે ગટરના પાણીથી ખાડા અને ખાબોચિયા તો ભરાયેલાં જ છે. અને તેમાંય હવે બે મહિનામાં વરસાદ થશે પછી વધુ દુર્દશા થશે ત્યારે દરેક ચુંટણીઓ સમયે અમારે ત્યાં મત માંગવા દોડાદોડી કરતા નીચેથી ઉપર સુધીના દરેક રાજકીય પ્રતિનિધિઓને પણ અમારું નિમંત્રણ છે કે એકાદ દિવસ અમાસ વિસ્તારના કોઈપણ ઘરનાં મહેમાન બનીને રહો જેથી ઘરની અંદર પરત આવતાં ગટરના પાણી અને શેરીઓમાં ઊભરાતી ગંદકી વચ્ચે અમે કેમ જીવીએ છીએ તેનો અનુભવ લઈ શકાય.
તાજેતરના વિકાસના કામોથી ગામના અનેક વિસ્તારોના રસ્તાઓ કોક્રિટ કે ઈન્ટરલોકથી મઢાઈ ગયા છે તેનાંથી અમો રાજી છીએ પણ સતત ઉભરાતી ગટર ગમે ત્યારે ખોદાતી રહેતી શેરીઓ અને કાયમ ખુલ્લાં રહેતા ચેમ્બરના ઢાંકણાંઓને કારપી ચોવીસ વર્ષ જુની આ વસ્તી અને દસ વર્ષથી ચાલતી શાળાના આ વિસ્તારમાં અમ પાકા રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ સહિતની કોઈ માગણી પણ નથી કરી શકતા એ અમારી લાચારી છે.
અનેકવારના સર્વે પછી ગ્રાંટ પાસે થઈ જશે અને થઈ ગઈ છે એવા દરેક સ્તરે થયેલા કેટલાય વાયદા અને દિલાસામાં આટલાં વર્ષો પસાર થયા પછી આ અરજી સાથે અમારી છેલ્લી વિનંતી છે કે જો અમને ગામના નાગરિક સમજવામાં આવતાં હોય અને પાયાની સુવિધાઓ સહિત વિકાસનાં દરેક કામોના ભાગે પડતા હક્કદાર માનવામાં આવતાં હોય અને હવે પછીની કોઈપણ ચુંટણીમાં મત જોઈતા હોય તો હવે માત્ર વાયદાઓના લોલીપોપને બદલે આ વિસ્તારની વર્ષો જુની અને સડી ગયેલ પાઈપલાઈન વાળી ગટરનું કામચલાઉ રિપેરીંગ કામ નહીં પણ નિચાણવાળા આ વિસ્તારની સ્થિતિ જોઈને દુર સુધી બરોબર લેવલ મેળવીને અંદરની બજારોમાં ૯ ઇંથની અને મુખ્ય રોડ ઉપર ૧૨ ઈંચની સારી ગુણવત્તાની નવી પાઈપ લાઈન પાથરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે.
એકબાજુ પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ અને નિરોગી ભારત અભિયાનનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે અહીં એ વાતની સાવ છેદ ઉડી રહ્યો છે. કારણ કે મદનપુરને નવી પંચાયત મળ્યા પછી સરપંચની પ્રથમ ચુંટણી પણ ગટર સમસ્યાના કાયમી નિવારણના મુખ્ય મુદ્દા ઉપર લડવામાં આવેલ. એ વાતને લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા છતાં અમારી સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી. વધુમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી પણ સુખપર ગામના છે અને ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ અમારા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોવા છતાં અમારી વર્ષો જુની પીડા અને ગમે ત્યારે રોગચાળાનો ભોગ બનીએ એવી પરિસ્થિતિની કોઈને દરકાર ન હોવાનું સમજીને છેવટે ન છુટકે અમો આપશ્રી કલેક્ટર સાહેબ પાસે ઘા નાખીએ છીએ અને આશા છે કે આપશ્રી આ વિષયે ચોક્કસ ઘટતું કરશો.
આ અરજી પછી પણ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો વિરોધ સ્વરૂપે અમો નગર વાસીઓને અમારાં વિસ્તારની શાળાના બાળકોને લઈને અહીંની સ્થાનિક શાળાને બદલે ક્રમશ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રાંગણમાં વિધાર્થીઓને અભ્યાસ કરાવવા લઈ આવવાની ફરજ પડશે.
આ ઉપરાંત અમારી સૌની એવી જ ખરાબ દુર્દશા મદનપુરના રેલ્વે અંડરપાસ નીચે વર્ષોથી ભરાતાં વરસાદી પાણીની અને સાવ તુટી ગયેલા રસ્તાઓની પણ છે. જેનાં નિવારણ માટે દરેક સ્તરે કરેલ રજૂઆતોની આખી ફાઈલ ભરાય તેટલી નકલો પડેલ છે પરંતુ તેનો પણ કોઈ જ નિકાલ નથી થતો. આ પ્રશ્ન રેલ્વે વિભાગનો હોવાથી જેની રજૂઆત પણ એમો અલગથી અને આશ્ચર્યજનક કાર્યક્રમો સાથે કરીશું.
આપશ્રીની હમણાં જ કચ્છમાં નિમણૂક થયા પછી પ્રજાના કોઈ પણ કામ નિશ્ચિત સમય મર્યાદામાં પુરા થવા જ જોઈએ એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે ત્યારે આ વિષયે પણ આપશ્રીના માધ્યમે અમને ચોક્કસ ન્યાય મળશે તેવી આશા અને અપેક્ષા છે.
નોંધા આ અરજી સાથે આ વિસ્તારના રહેવાસીઓ અને શાળાના શિક્ષકોની સહીના કાગળની નકલો પણ સામેલ છે જેને અમો આજે રજિસ્ટર એ.ડી. ટપાલથી આપશ્રીને રવાના કરીએ છીએ.
अस्तु
વ્હોટ્સએપ અથવા ઈ મેઈલના માધ્યમે અરજીની નકલ, ફોટાઓ અને વીડિયો વાના
(૧) સર્વે પ્રિન્ટ અને ઈલેક્ટ્રિક મીડિયા
(૨) શ્રી વિનોદભાઈ ચાવડા (સાંસદશ્રી કચ્છ)
(3) શ્રી કેશુભાઈ પટેલ (પારાસભ્યશ્રી ભુજ તાલુકા
(૪) શ્રીમતી મનિષાબેન વેલાણી (સુખપર જીલ્લા પંચાયત સદસ્યશ્રી અને ઉપપ્રમુખશ્રી કચ્છ જીલ્લા પંચાયત)
(૫) વિનોદભાઈ વરસાણી (જુદ-નપુર તાલુકા પંચાયત સદસ્યશ્રી અને પ્રમુખશ્રી ભુજ તાલુકા પંચાયત)
(૬) શ્રી મનજીભાઈ ખેતાણી (તાલુકા પંચાયત સદસ્યશ્રી સુખપર)
(૭) શ્રી દેવજીભાઈ વચંદ (પ્રમુખશ્રી કચ્છ જી. ભાજપા)
(૮) શ્રી ભીમજીભાઈ જોથાણી (અધ્યક્ષશ્રી ભુજ તા. ભાજપા)
(૯) શ્રીમતી પુનમબેન મેપાણી (સરપંચશ્રી-મદનપુર ગ્રામ પંચાયત)