કચ્છ જિલ્લામાં કુલ ૨૧૧૬ આંગણવાડી કેન્દ્ર આવેલી છે જેમાં કુલ ૧૦૩૯૫૦ જેટલા ૦ થી ૫ વર્ષના બાળકોને પુરક પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે જેવી યોજનાનો આઈસીડીએસ અંતર્ગત લાભ આપવામાં આવી રહ્યો છે અને તેમની વજન-ઉંચાઈની નિયમિતપણે માપણી કરવામાં આવે છે. બાળકોનો વજન અને ઊંચાઈના ડેટાની એન્ટ્રી ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલા પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં વર્કર બહેનો દ્વારા કરવામાં આવે છે. જેના આધારે WHO ના સ્ટાન્ડર્ડ મુજબ પોષણનું સ્તર નક્કી કરવામાં આવે છે.
તમામ બાળકોના વજન-ઉંચાઈનું માપન નિયમિત અને ચોક્કસાઈથી થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમની સૂચનાનુસાર અને પ્રોગ્રામ ઓફિસરશ્રી દશરથ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં આકસ્મિક વિઝિટ અને ક્રોસ ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. પ્રોગ્રામ ઓફિસરની કચેરી દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવીને પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં એન્ટ્રી અને વાસ્તવિકતા આંકડાની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ ૨૨૬૪ બાળકોના વજન-ઉંચાઈનું ક્રોસ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી અમુક બાળકોના વજનમાં અને ઉંચાઈના ડેટામાં તફાવત જોવા મળ્યો હતો. જે બાદ પ્રોગ્રામ ઓફિસર દ્વારા તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આ એન્ટ્રી ચોક્કસાઈથી કરવા અંગે તાકીદ કરીને બાળકોને પોષણ મળે તે અભિગમને કેન્દ્રમાં રાખીને કામગીરી કરવા સૂચના આપી હતી.
વધુમાં સરકારશ્રીની સૂચના અનુસાર અતિકુપોષિત બાળકોનું નિયમિતપણે હેલ્થ સ્ક્રીનીંગ કરીને કોઈપણ બાળકમાં તબીબી ખામી જણાય તો ચાઈલ્ડ માલન્યુટ્રીશિયન્સ ટિટ્રમેન્ટ સેન્ટરમાં રિફર કરાવવા પ્રોગ્રામ ઓફિસરશ્રી દશરથ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી હતી.