મહેમદાવાદ શહેરમાં બંધ મકાનોમાં તસ્કરી કરવા માટે તસ્કરો સક્રિય બન્યાં છે. ખાસ કરીને વેકેશનમાં ફરવા જતાં લોકોના મકાનને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તો વળી ગરમીથી બચવા અગાસી ઉપર સુતા લોકોના મકાનોને તસ્કરો તોડી રહ્યાં છે. ગત રાત્રિના અરસામાં આવા ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની તસ્કરી કરી હોવાનું જાણવા મળે છે. જો કે હજી સુધી આ બાબતે કોઈ ફરીયાદ નોંધાઈ નથી. મળતી વિગતો અનુસાર મહેમદાવાદમાં આવેલ આશુતોષ સોસાયટીમાં બંગલા નં ૫૫ માં ભાડેથી રહેતાં ચેતનભાઈ પટેલ શિક્ષક તરીકે નોકરી કરે છે. શાળાનું વેકેશન પડતાં તે પોતાનું મકાન બંધ કરી પોતાના વતન પ્રાંતિજ ગયાં હતાં. આ દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનમાં પ્રવેશી સવા તોલાની સોનાની ચેઈન, એક વીંટી તેમજ પાંચથી સાત હજાર રૂપિયાની તસ્કરી કરી તસ્કરો ફરાર થઈ ગયાં છે. તેમજ આ જ સોસાયટીમાં બંગલા નં ૩૮ માં રહેતાં પરષોત્તમદાસ નટવરલાલ દરજીના મકાનમાં તસ્કરો ત્રાટકી ચોરી કરી હતી.