ભચાઉ ખાતે આયોજિત પંચસ્તરીય બાગાયતી પ્રાકૃતિક કૃષિની તાલીમમાં પાંચ જિલ્લાના ખેડૂતોએ જોડાઈને માર્ગદર્શન મેળવ્યું


સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને લોકોને સ્વાસ્થ્યપ્રદ ખેતપેદાશો ઉપલબ્ધ થાય તે માટે રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની આગેવાનીમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન આગળ વધી રહ્યું છે. કચ્છમાં પંચસ્તરીય બાગાયતી પ્રાકૃતિક તાલીમનું આયોજન નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ભુજ કચ્છ દ્વારા ભચાઉના કુંભારડી ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને કચ્છના જિલ્લાના ખેડૂતો જોડાયા હતા.
તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ગુજરાત રાજ્ય સંયોજકશ્રી હિતેશભાઈ વોરા દ્વારા બાગાયતી પાકોમાં પંચસ્તરીય પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતીના નવા આયામો વિશેની સમજણ અપાઈ હતી. તાલીમાર્થી ખેડૂતોએ ભચાઉના ગુણાતીતપુર ખાતે શ્રી રતિલાલ શેઠિયા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ તાલીમમાં બાગાયત અધિકારીઓ સર્વેશ્રી આર.ડી.પ્રજાપતિ, શ્રી પરબત ચૌધરી, શ્રી જયદીપ સોલંકી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.