પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા રાજ્ય સરકારશ્રી દ્વારા જનઅભિયાન વેગવંતુ

પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવાના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યભરમાં  મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓથી અવગત થઈને આ તરફ વળ્યા છે. આ યાદીમાં વધુ એક નામનો ઉમેરો કરતા, કચ્છ જિલ્લાના દયાપર ગામના રહેવાસી શાંતિલાલ રામજીભાઈ મૈયાત જેઓ પોતાના ખેતરના ૬૦% જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

શાંતિલાલ મૈયાત ખેડૂત જણાવે છે કે, રાસાયણિક ખેતી કરવાથી ઘણા નુકસાનો ભોગવવા પડે છે જેવાકે,  દવાઓ અને ખાતરનો ખર્ચાઓ, મજૂરી ખર્ચ વધુ થાય છે. જમીનનું બંધારણ બગડે છે જેથી સમય જતાં પાકની ગુણવતામાં પણ ઘટાડો થતો રહે છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે, તેમજ નિંદણ પણ વધારે ઊગી નીકળે છે. રાસાયણિક ખેતીમાં પાકને વધુ પિયતની જરૂર પડે છે. ખેતીમાં જંતુનાશકો અને યુરિયાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને ખેડૂતો જમીનને બિનઉપજાઉ બનાવી રહ્યા છે. પીવાના પાણીમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. આમાંથી બચવાનો એકમાત્ર ઉપાય એ છે કે ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે, પ્રાકૃતિક ખેતી અપનાવે. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ સાથે જોડાવું જોઈએ.

પ્રાકૃતિક ખેતીના ઉપયોગની વાત કરતા જણાવે છે, હું વર્ષ ૨૦૦૦ થી પ્રાકૃતિક કૃષિ કરું છું પ્રાકૃતિક ખેતીમાં તરબૂચ, રીંગણ, ટામેટા, મરચા, ભીંડા જેવા પાકોનું વાવેતર કરી રહ્યો છું. હું છેલ્લા પાંચ વર્ષથી આત્મા યોજના સાથે જોડાયેલો છું. શરૂઆતમાં મારા ખેતરમાં સૌપ્રથમ એક એકરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હાલ ૧૧ એકરના કુલ ખેતરમાંથી ૭ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી દ્વારા વિવિધ પાકોની ખેતી કરું છું. મારી પાસે દેશી ગાય નથી, પરંતુ ગાયનું ગૌમૂત્ર અને ગોબર અન્ય ખેડૂતો પાસેથી મેળવીને જીવામૃત બનાવુ્ છું અને તેનો ઉપયોગ કરું છું. દિવેલાની ફોતરી મલ્ચીંગ તરીકે વાપરવામાં આવે છે. પ્રાકૃતિક જેનાથી મારી જમીનની તથા પાણીની ગુણવતા સુધરી છે. પાકને વધુ પિયતની જરૂર પડતી નથી. જીવામૃતથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે,  જેથી અલગથી જૈવિક ખાતર આપવાની જરૂર પડતી નથી. પાકની ગુણવત્તામાં પણ ખાસ્સો સુધરો થયો છે.અન્ય ખેડૂતોએ પ્રાકૃતિક ખેતિ કરવી જોઈએ.

–     જિજ્ઞા પાણખાણીયા